Share Market Crash Today : મુંબઈ: ભારતીય શેરબજારમાં બુધવારે કાળો દિવસ સાબિત થયો હતો. નબળા વૈશ્વિક સંકેતો અને કાચા તેલના ભાવમાં થયેલા ઉછાળા વચ્ચે બપોર બાદ બજારમાં એવી જોરદાર વેચવાલી જોવા મળી કે દલાલ સ્ટ્રીટ લાલઘૂમ થઈ ગઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક તીખા નિવેદને વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાવી દીધો હતો. આ કડાકાને કારણે નિફ્ટીએ 24,000 ની મહત્વની સપાટી ગુમાવી દીધી હતી, જ્યારે સેન્સેક્સમાં 1,600 થી વધુ પોઈન્ટનો તોતિંગ ઘટાડો નોંધાયો હતો.
Share Market Crash Today: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી બજારમાં ગભરાટ
બજારમાં વેચવાલીનું મુખ્ય કારણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન હતું. ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટેનું વચગાળાનું કરાર હવે સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં, યુએસ સેન્ટ્રલ કમાન્ડે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વેપારી જહાજો પર થયેલા હુમલાના જવાબમાં ઈરાન પર હવાઈ હુમલા કર્યા છે અને ઈરાની ક્રૂડ ઓઈલના વેચાણ પર ફરીથી પ્રતિબંધો લાદ્યા છે. આ ભૌગોલિક-રાજકીય તણાવને કારણે મધ્ય પૂર્વમાં અસ્થિરતા અને વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાઈ જવાની આશંકાએ રોકાણકારોમાં ફફડાટ પેદા કર્યો હતો.
સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો
કારોબારના અંતે આંકડાઓ નીચે મુજબ રહ્યા:
-
સેન્સેક્સ: 1,677.12 પોઈન્ટ (2.15%) ઘટીને 76,503.60 પર બંધ થયો.
-
નિફ્ટી: 516.65 પોઈન્ટ (2.12%) તૂટીને 23,882.05 પર બંધ થયો.
બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી હતી. BSE પર 1,023 શેર વધ્યા હતા, જ્યારે 3,070 શેરમાં ઘટાડો નોંધાયો હતો. ડરનું સૂચક ગણાતા ‘ઈન્ડિયા VIX’ માં લગભગ 25% નો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં સૌથી વધુ ઘટાડો જિયો ફાઈનાન્શિયલ, ઈન્ડિગો, શ્રીરામ ફાઈનાન્સ, મારુતિ સુઝુકી અને HUL માં નોંધાયો હતો. બીજી તરફ, ONGC, હિંદાલ્કો, કોલ ઈન્ડિયા અને બજાજ ઓટો સામાન્ય વધારા સાથે બંધ થયા હતા.
રોકાણકારોના 8 લાખ કરોડનું ધોવાણ
શેરબજારમાં આજના કડાકાથી રોકાણકારોને મોટો ફટકો પડ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન જે ગઈકાલે ₹479.67 લાખ કરોડ હતું, તે આજે ઘટીને ₹471.49 લાખ કરોડ થઈ ગયું છે. એટલે કે, માત્ર એક દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં અંદાજે ₹8 લાખ કરોડનું ધોવાણ થયું છે. બપોર સુધીમાં આ નુકસાન ₹4 લાખ કરોડ હતું, જે અંતિમ કલાકમાં વેચવાલી વધતા ₹8 લાખ કરોડને પાર કરી ગયું હતું.
આ પણ વાંચો: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તેલ ટેન્કરો પર મિસાઈલ અને ડ્રોનથી મોટો હુમલો: વૈશ્વિક ઉર્જા સુરક્ષા પર છવાયું સંકટ

