છાણ બન્યું સમૃદ્ધિનું સાધન: બનાસ ડેરીનો આ ગોબર પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે બન્યો ઉત્તમ પ્રેરણારૂપ

Banas Dairy Bio CNG Gobar Project

Banas Dairy Bio CNG Gobar Project : બનાસકાંઠા જિલ્લાની ધરતી પરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૩૦મી ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બનાસ ડેરીના પાંચ મોટા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પરંપરાગત ડેરી વ્યવસાયમાં વર્ષો સુધી ઉપેક્ષિત ગણાતા પશુઓના છાણ (ગોબર) ને ‘અમૂલ’ બ્રાન્ડ હેઠળ કાર્યરત બનાસ ડેરીએ પોતાની સર્વોચ્ચ મૂલ્યવાન અસ્કયામતમાં પરિવર્તિત કરી બતાવ્યું છે. સામાન્ય કચરો ગણાતા છાણને વાહનો માટેના સ્વચ્છ હરિત બળતણ (Bio-CNG), ઉત્કૃષ્ટ સેન્દ્રિય ખાતર અને પશુપાલક પરિવારો માટે પખવાડિક નિયમિત રોકડ આવકના સ્રોતમાં ફેરવીને સંસ્થાએ એક ક્રાંતિકારી પહેલ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં અંદાજે ૨૮ લાખ પશુધન પૈકી ૨૪ લાખ પશુઓ બનાસ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો પાસે છે, જેના થકી દૈનિક આશરે ૨૪,૦၀၀ ટન છાણનું ઉત્પાદન થાય છે. ફેબ્રુઆરી ૨૦૨૦માં ડીસાના દામા ગામથી છાણ ખરીદીની ઐતિહાસિક શરૂઆત થઈ હતી. સુઝુકી મોટર કોર્પોરેશન અને એનડીડીબી (NDDB) સાથે થયેલા ત્રિપક્ષીય કરાર હેઠળ આગથળા, ભૂખલા અને વીંછીવાડા ખાતે પ્લાન્ટ્સ કાર્યરત કરાયા છે. હાલ ચાર પ્લાન્ટ્સ દ્વારા રોજ ૩૪૦ ટન છાણનું પ્રોસેસિંગ થઈ રહ્યું છે, જ્યારે થરાદ અને રાધનપુર ખાતે નવા પ્લાન્ટ્સ કાર્યરત થતાં આ નેટવર્કની દૈનિક ક્ષમતા ૫૧૫ મેટ્રિક ટને પહોંચશે.

Banas Dairy Bio CNG Gobar Project : પારદર્શક વ્યવસ્થા અને પશુપાલકોને આર્થિક લાભ

પશુપાલકો પાસેથી ખેતર પર જ વજન કરીને કિલોદીઠ આશરે રૂ. ૧ના ભાવે છાણ ખરીદવામાં આવે છે અને તેની રકમ દર પખવાડિયે દૂધના બિલ સાથે સીધી ખેડૂતોના ખાતામાં જમા થાય છે. પ્લાન્ટમાં પ્રક્રિયા બાદ તૈયાર થતો સ્વચ્છ બાયો-સીએનજી વાહનચાલકોને કિલોદીઠ રૂ. ૭૫ થી ૮૦ના રાહતદરે ઉપલબ્ધ કરાવાય છે, જ્યારે ગુજરાતમાં સામાન્ય CNGનો દર આશરે રૂ. ૯૨ છે. આ ઉપરાંત, ઉપપેદાશ તરીકે મળતી સ્લરીમાંથી તૈયાર થતો ઘન અને પ્રવાહી ઓર્ગેનિક ખાતર સ્થાનિક દૂધ મંડળીઓ મારફતે “ભૂમિ અમૃત” બ્રાન્ડ હેઠળ ખેડૂતોને પરત પૂરું પાડવામાં આવે છે, જે જમીનની ગુણવત્તા સુધારે છે.

પર્યાવરણીય દ્રષ્ટિએ, ખુલ્લામાં સડતા છાણમાંથી ઉત્સર્જિત થતો મિથેન વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે, જેની સામે આ પ્લાન્ટ્સ હાનિકારક વાયુને કેપ્ચર કરીને સ્વચ્છ ઊર્જામાં રૂપાંતરિત કરે છે. રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને બનાસ ડેરીએ ગાયના છાણની દુબઈ નિકાસ કરવાની આકર્ષક ઓફર નકારી કાઢીને આ દેશી સંસાધનનો લાભ ભારતીય ધરતી અને ખેડૂતોને જ આપવાનો મક્કમ નિર્ણય લીધો છે.

અમદાવાદની જાણીતી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી