આજરોજ દેવભૂમિ દ્વારકા ના પાદરમાં સાંજે એક ખાનગી બસ, સ્વિફ્ટ અને ઈક્કો કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો. આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતા આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પુરજોશમાં બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ પણ સત્વરે ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરીને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર દ્વારકા -ખંભાળિયા ધોરીમાર્ગ પર દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર બરડીયા ગામ પાસે આવેલી એક હોટલ પાસેથી આજરોજ રાત્રે આઠેક વાગ્યાના સમયે પસાર થઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની એક બસ (નંબર એન.એલ. 01 બી. 2207) આડે કોઈ પશુ ઉતરતાં તેને બચાવવા માટે બસના ચાલકે કાવો માર્યો હતો. જેના કારણે આ બસ ડીવાઈડર ટપીને રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી. આ પછી સામેની તરફથી દ્વારકા તરફ આવી રહેલી એક સ્વીફ્ટ મોટરકાર (નંબર જી.જે. 11 બી એચ 8988) અને તેની સાથે એક ઈક્કો મોટરકાર (નંબર જી.જે. 18 બી.એલ. 3159) વચ્ચે ત્રિપલ અકસ્માત બાદ પાછળ આવી રહેલું એક મોટર સાઇકલ પણ આ અકસ્માતગ્રસ્ત વાહન સાથે ટકરાયું હતું. આ વચ્ચે વધુમાં ચર્ચાથી વિગત મુજબ અન્ય એક રાહદારી પણ આ અકસ્માતની અડફેટે ચડી ગયા હતા.
આ ત્રિપલ અકસ્માતમાં જુદા જુદા વાહનોમાં સવાર કુલ સાત મુસાફરોના મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય આશરે 15થી 17 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ થતાં દ્વારકાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ ખંભાળિયા સ્થિત ડીસ્ટ્રીક્ટ જનરલ હોસ્પિટલ ખાતે તમામને ખસેડવામાં આવ્યા હતા
આ પણ વાંચો- બાંગ્લાદેશ સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત