Gujarat Cheque Bounce Controversy અંતર્ગત ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક સહાય માટે આપવામાં આવેલા કેટલાક ચેક બેંકમાંથી રિટર્ન થયાનો મામલો સામે આવ્યો છે. સુરતના ઉદ્યોગપતિ અને બિલ્ડર પિયુષ દેસાઈ સંચાલિત ‘હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન’ દ્વારા 511 દીકરીઓને સહાયના ચેક આપવામાં આવ્યા હતા. જોકે, ચેક ક્લિયર ન થતાં જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો થઈ છે.
આ કાર્યક્રમ રાજ્યની 21 હજાર દીકરીઓને રૂ. 7,500ની સહાય આપવાના અભિયાનના ભાગરૂપે યોજાયો હતો. ભરૂચના ભાજપ અગ્રણી જનક શાહ (પિન્ટુભાઈ)ના પ્રયાસોથી આયોજિત કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.
વાલીઓના જણાવ્યા મુજબ, સહાયના કેટલાક ચેક રિટર્ન થતાં શાળાઓએ બાકી ફી ભરવા માટે ફોન કરવાનું શરૂ કર્યું છે. બીજી તરફ, ચેક રિટર્ન થવાના કારણે આશરે રૂ. 500ની પેનલ્ટી પણ ભરવી પડતી હોવાની ફરિયાદ છે. આમ, સહાય મળવાની આશાએ બેઠેલા પરિવારો પર વધારાનો આર્થિક બોજ પડ્યો છે.
Gujarat Cheque Bounce Controversy: ફાઉન્ડેશનનો સંપર્ક ન થતાં વાલીઓની મુશ્કેલી વધી
પરેશાન વાલીઓએ ફાઉન્ડેશનની કચેરીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન સતત સ્વિચ ઓફ આવતો હોવાનું જણાવાયું છે. ફાઉન્ડેશનના સ્થાપક પિયુષ દેસાઈનો પણ વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં વાત થઈ શકી નહોતી. સાંસદ મનસુખ વસાવાનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ સફળ રહ્યો નહોતો.
સ્થાનિક આયોજક જનક શાહે જણાવ્યું હતું કે કાર્યક્રમના મંડપ અને ચા-નાસ્તા પાછળ તેમણે પોતાના લાખો રૂપિયા ખર્ચ્યા છે. તેમના જણાવ્યા મુજબ, સંસ્થાના માલિક હાલ મુશ્કેલીમાં હોવાથી આ સ્થિતિ ઊભી થઈ છે. વિદ્યાર્થિનીઓના ચેક વહેલી તકે ક્લિયર થાય તે માટે પ્રયાસો ચાલુ છે.
બીજી તરફ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ચેક રિટર્ન અને પેનલ્ટી અંગે પોતાને માહિતી ન હોવાનું જણાવ્યું હતું. તેમણે તપાસ કર્યા બાદ જ આગળ કંઈ કહી શકશે તેમ ઉમેર્યું હતું.
હાલ કેટલા ચેક રિટર્ન થયા છે અને બાકી રહેલી સહાય ક્યારે મળશે તે અંગે સત્તાવાર સ્પષ્ટતા ઉપલબ્ધ નથી. વાલીઓની મુખ્ય માંગ છે કે વિદ્યાર્થિનીઓને જાહેર કરાયેલી સહાય સમયસર મળે અને ચેક રિટર્નથી થયેલી મુશ્કેલીનો ઉકેલ આવે.

