Gujarat Drug Factory Bust: ગુજરાતમાં ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરીઓને લઈને NCBનો રેડ ફ્લેગ, સિન્ડિકેટની તપાસ તેજ

Gujarat Drug Factory Bust

Gujarat Drug Factory Bust મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની કાર્યવાહી બાદ ગુજરાતમાં ગેરકાયદે ડ્રગ્સ ઉત્પાદન અને આંતરરાજ્ય નેટવર્કને લઈને ચિંતા વધી છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં લબ્બૈક સોસાયટીના એક બંગલામાં ચાલતી કથિત ડ્રગ્સ બનાવવાની ગુપ્ત ફેક્ટરીનો NCBએ પર્દાફાશ કર્યો છે. તપાસમાં આ ફેક્ટરી વર્ષ 2024થી કાર્યરત હોવાની વિગતો સામે આવી હોવાનું જણાવાયું છે.

આ કાર્યવાહી NCBના ડ્રગ્સ નાબૂદી માટેના વિશેષ ‘રેડ ફ્લેગ’ કાર્યક્રમ હેઠળ કરવામાં આવી હતી. અગાઉ જોધપુર યુનિટે નવરાત્રિ દરમિયાન રાજસ્થાનથી MD ડ્રગ્સ લઈને સુરેન્દ્રનગર આવતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ તપાસ આગળ વધતાં સરખેજના રહેવાસી મુદ્દસરખાન અહેમદખાન પઠાણના ઘરેથી કથિત ફેક્ટરી મળી આવી હતી.

Gujarat Drug Factory Bust: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં નેટવર્કની તપાસ

NCBના અહેવાલમાં ગુજરાતને ગેરકાયદે ડ્રગ્સ ઉત્પાદન અને સિન્ડિકેટના સંકલન માટે ચિંતાજનક વિસ્તાર તરીકે દર્શાવવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકમાં પણ રસાયણોની હેરાફેરી અને ગુપ્ત ઉત્પાદન પ્રવૃત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

વિવિધ સ્થળોએ દરોડા દરમિયાન ડ્રગ્સના ઉત્પાદન સાથે સંકળાયેલા રસાયણો અને પ્રયોગશાળાનાં સાધનો જપ્ત કરવામાં આવ્યાં છે. તેમાં હાઇડ્રોક્લોરિક એસિડ, એસિટોન, ટોલ્યુએન સહિતનાં રસાયણો તથા કાચનાં પ્રતિક્રિયા પાત્રો, હીટિંગ મેન્ટલ્સ, ફિલ્ટરેશનનાં સાધનો અને રેસ્પિરેટર્સનો સમાવેશ થાય છે.

NCBએ દેશભરમાં ગુપ્ત ડ્રગ્સ લેબોરેટરીઓ સામે કાર્યવાહી માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ‘રેડ ફ્લેગ’ પરિપત્ર જારી કર્યો છે. તપાસ એજન્સીઓ હવે આ નેટવર્કને નાણાં પૂરાં પાડનારા, રસાયણોના સપ્લાયર્સ, ટેકનિકલ મદદગારો અને આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સંપર્કોની તપાસ કરી રહી છે.

શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો પોલીસને જાણ કરવા અપીલ

પરિપત્રમાં રહેણાંક મકાનો, ભાડાનાં મકાનો અને ઔદ્યોગિક વિસ્તારોમાં શંકાસ્પદ રસાયણોનો સંગ્રહ, અસામાન્ય ગંધ, વધુ વીજળીનો વપરાશ અને રાસાયણિક કચરાના શંકાસ્પદ નિકાલ પર ધ્યાન રાખવા જણાવાયું છે. આવી પ્રવૃત્તિ જણાય તો સ્થાનિક પોલીસ, એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ અથવા NCBને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.

વડોદરામાં બનશે મગર આકારનો બ્રિજ