Jignesh Mevani FIR Pethapur મહાનગરપાલિકાની ચૂંટણીના રાજકીય ગરમાવા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ચૂંટણી દરમિયાન પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયેલા ભારે હોબાળા અને ઘર્ષણના મામલે જીગ્નેશ મેવાણી સહિત અન્ય 20થી વધુ લોકો સામે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આટલું જ નહીં, સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં પણ તેમની સામે આ જ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Jignesh Mevani FIR Pethapur પોલીસની કામગીરીમાં અવરોધ અને ઉદ્ધતાઈનો આક્ષેપ
આ બંને પોલીસ ફરિયાદોમાં મુખ્યત્વે પોલીસની સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવા અને કાયદો-વ્યવસ્થાની ફરજ બજાવતા પોલીસકર્મીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. જોકે, આ સમગ્ર ઘટનાક્રમમાં પોલીસની કાર્યવાહી સામે પણ મોટા સવાલો ઊભા થયા છે. કારણ કે, પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં જે ઘટના બની તે મતદાનના બે દિવસ પહેલાંની હતી. પરંતુ પોલીસે મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થયા બાદ આ મામલે એફઆઈઆર (FIR) નોંધતાં રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે.
શું હતો સમગ્ર વિવાદ અને કેવી રીતે થઈ શરૂઆત?
પેથાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. દેસાઈ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, સમગ્ર વિવાદની શરૂઆત ચૂંટણી પ્રચાર દરમિયાન થઈ હતી. ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ કરાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ સતત કામગીરી કરી રહી હતી. આ દરમિયાન ભાજપના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરતા ભાવેશ અરવિંદભાઈ ભાવસાર નામના વ્યક્તિએ પોલીસમાં એક લેખિત અરજી આપી હતી.
આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તેઓ જ્યારે વોર્ડ નંબર-4ના સંજરી પાર્ક વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર યુનુસભાઈ પરમારના કેટલાક સમર્થકોએ તેમને રોકીને ધમકીઓ આપી હતી. આ અરજીના પગલે પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો વચ્ચે ગરમાગરમી થઈ હતી અને ભારે હોબાળો મચ્યો હતો, જેમાં જીગ્નેશ મેવાણી અને તેમના સમર્થકો સામેલ હોવાનું જણાવાયું છે.
Mustak Malek

