કચ્છ બન્યું અગનભઠ્ઠી: અંજાર-ગાંધીધામ 44.4 ડિગ્રી સાથે રાજ્યના સૌથી ગરમ શહેરો, 6 દિવસનું ‘યલો એલર્ટ’ જાહેર

Kutch Heatwave કચ્છમાં મે મહિનાની શરૂઆત થતાની સાથે જ સૂર્યનારાયણે પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. સમગ્ર જિલ્લો હાલ આકરા તાપ અને લૂ (Heatwave) ની ચપેટમાં છે. શનિવારે કચ્છના અંજાર અને ગાંધીધામમાં તાપમાનનો પારો 44.4 ડિગ્રી સુધી પહોંચી જતાં આ વિસ્તાર સમગ્ર ગુજરાતનો સૌથી ગરમ ‘હોટ ઝોન’ સાબિત થયો હતો.

Kutch Heatwave ભુજમાં પણ પારો 42 ડિગ્રીને પાર

માત્ર અંજાર કે ગાંધીધામ જ નહીં, પણ જિલ્લા મથક ભુજમાં પણ અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ભુજમાં તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે અને લોકો ગરમીથી બચવા ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. ગરમ પવનોને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.

આગામી 6 દિવસ ‘યલો એલર્ટ’: પારો 45 ડિગ્રી વટાવશે

હવામાન વિભાગની આગાહી મુજબ, કચ્છમાં ગરમીનું જોર હજુ વધશે. આગામી 6 દિવસ માટે જિલ્લામાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને વટાવી શકે છે, જે સામાન્ય જનજીવન માટે ચિંતાનો વિષય છે.

ઐતિહાસિક રેકોર્ડ તરફ કચ્છ (Historic Heat Trends)

કચ્છમાં ગરમીનો ઇતિહાસ ઘણો જૂનો અને આકરો રહ્યો છે. ભુજમાં અત્યાર સુધીનું સર્વોચ્ચ તાપમાન 1886માં 47.8 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા એક દાયકામાં પણ પારો વારંવાર 46 ડિગ્રી સુધી પહોંચ્યો છે. એપ્રિલમાં કંડલામાં 45 ડિગ્રી નોંધાયા બાદ, હવે મે મહિનાના આ રાઉન્ડમાં ગરમી નવા રેકોર્ડ તોડે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *