Vijay CM Oath Tamil Nadu: તમિલનાડુના રાજકારણમાં રવિવારે એક નવો સૂર્યોદય થયો છે. સાઉથના સુપરસ્ટાર અને TVK પ્રમુખ સી. જોસેફ વિજયે (વિજય થલપતિ) ચેન્નઈના જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમમાં ભવ્ય સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. શપથ લેતાની સાથે જ વિજય ફૂલ એક્શન મોડમાં જોવા મળ્યા હતા અને જનતા માટે લોકકલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરીને પોતાના મક્કમ ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે.
Vijay CM Oath Tamil Nadu: શપથ લેતા જ બે મોટા આદેશ પર કરી સહી
મુખ્યમંત્રીની ખુરશી સંભાળતા જ વિજયે બે સૌથી મહત્વપૂર્ણ ફાઈલો પર હસ્તાક્ષર કર્યા:
૨૦૦ યુનિટ ફ્રી વીજળી: રાજ્યના નાગરિકોને રાહત આપવા માટે ૨૦૦ યુનિટ સુધી મફત વીજળી આપવાના આદેશ પર સહી કરી.
મહિલા સુરક્ષા દસ્તો: રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતા વિશેષ સુરક્ષા દસ્તાની તૈનાતી માટે મંજૂરી આપી.
“હું કોઈ રાજઘરાનામાંથી નથી આવ્યો…” (Vijay’s First Speech)
પોતાના પ્રથમ સંબોધનમાં વિજયે ભાવુક અને પ્રભાવશાળી અંદાજમાં જણાવ્યું હતું કે, “હું કોઈ રાજઘરાના કે મોટા રાજકીય પરિવારમાંથી નથી આવતો, તેમ છતાં જનતાએ મને સ્વીકાર્યો છે. હું ખોટા વાયદા કરીને લોકોને છેતરીશ નહીં. રાજ્યમાં હવે વાસ્તવિક બિનસાંપ્રદાયિકતા અને સામાજિક ન્યાયના નવા યુગનો આરંભ થયો છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે આ સરકારમાં તેમના સિવાય બીજો કોઈ ‘પાવર સેન્ટર’ નહીં હોય અને તેઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક હાથે કામ લેશે.
દિગ્ગજોની ઉપસ્થિતિ અને રાહુલ ગાંધીની શુભેચ્છા
આ ઐતિહાસિક ક્ષણે વિજયના પિતા એસ.એ. ચંદ્રશેખર, માતા શોભા અને લોકપ્રિય અભિનેત્રી તૃષા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ સમારોહમાં હાજરી આપી હતી અને વિજયને શુભેચ્છા પાઠવતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, “તમિલનાડુએ નવી પેઢી, નવો અવાજ અને નવી કલ્પનાને પસંદ કરી છે. મને આશા છે કે વિજય જનતાની આકાંક્ષાઓ પૂરી કરશે.”

