Malaysia Visa Rules: 1 જાન્યુઆરી 2027થી ભારતીયો મલેશિયા વિઝા વગર જઈ શકશે નહીં

Malaysia Visa Rules

Malaysia Visa Rulesમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. મલેશિયાના ઇમિગ્રેશન વિભાગ (JIM)ની 17 નવેમ્બરે જાહેર કરાયેલી સૂચના મુજબ, 1 જાન્યુઆરી 2027થી ભારતીય નાગરિકો માટે વિઝા-મુક્ત પ્રવેશની સુવિધા સમાપ્ત થશે. એટલે ભારતીય પાસપોર્ટધારકોએ મલેશિયા જતાં પહેલાં માન્ય વિઝા મેળવવો પડશે.

અત્યાર સુધી ભારતીય પ્રવાસીઓ વેપાર, પ્રવાસન, સામાજિક પ્રવૃત્તિઓ અને ટ્રાન્ઝિટ માટે 30 દિવસ સુધી વિઝા વગર મલેશિયા જઈ શકતા હતા. નવા નિયમો અમલમાં આવ્યા બાદ આ સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.

1 ડિસેમ્બરથી MyVISA પોર્ટલ પર અરજી

મલેશિયાના ઇમિગ્રેશન વિભાગે ભારતીય નાગરિકોને મુસાફરી પહેલાં વિઝા મેળવી લેવાની સલાહ આપી છે. વિઝા માટેની અરજીઓ 1 ડિસેમ્બર 2026થી MyVISA પોર્ટલ પર કરી શકાશે.

વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં પ્રવેશ માટે ઓછામાં ઓછા છ મહિનાની માન્યતા ધરાવતો પાસપોર્ટ જરૂરી રહેશે. સાથે જ પ્રવાસ દરમિયાન પોતાના ખર્ચને પહોંચી વળવા પૂરતા નાણાકીય સાધનો હોવાના પુરાવા પણ રજૂ કરવા પડી શકે છે.

Malaysia Visa Rules: ભારતીય પ્રવાસીઓ માટે નવા નિયમો અને શરતો

મલેશિયામાં નોકરી શોધવા માટે વિઝા-મુક્ત પ્રવેશનો ઉપયોગ કરતા ભારતીય નાગરિકોને લઈને અગાઉ ભારતીય ઉચ્ચાયોગે પણ એડવાઇઝરી જાહેર કરી હતી. ઉચ્ચાયોગે સ્પષ્ટ કર્યું હતું કે 30 દિવસની વિઝા-મુક્ત સુવિધાનો ઉપયોગ નોકરી શોધવા માટે ન કરવો જોઈએ. માન્ય વર્ક પરમિટ વગર નોકરી કરવી અથવા નિર્ધારિત સમય કરતાં વધુ રોકાવું કાયદાકીય મુશ્કેલી ઊભી કરી શકે છે.

નવી વિઝા નીતિ હેઠળ અરજીની પ્રક્રિયા અને ફી અંગે પણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. અરજી અથવા ચુકવણી સાત કાર્યદિવસથી વધુ સમય સુધી બાકી રહે તો અરજી સમાપ્ત થઈ શકે છે. આવી સ્થિતિમાં નવી અરજી કરવાની રહેશે. વિઝા અરજીનું પરિણામ ગમે તે હોય, ભરેલી ફી પરત નહીં મળે.

આ ઉપરાંત, મલેશિયાના ઇમિગ્રેશન વિભાગે પ્રવાસીઓને મુસાફરીના સમયગાળા માટે ટ્રાવેલ મેડિકલ ઇન્શ્યોરન્સ લેવાની સલાહ આપી છે. વિદેશી પ્રવાસીઓએ પોતાની સારવારનો ખર્ચ જાતે ઉઠાવવો પડશે.

આ ફેરફારને કારણે 2027થી મલેશિયા જવાનું આયોજન કરતા ભારતીય પ્રવાસીઓએ ટિકિટ અને હોટેલ બુકિંગ પહેલાં વિઝાની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો અંગે માહિતી મેળવી લેવી જરૂરી રહેશે.

Banaskantha Check Dam: બે વર્ષમાં 172 ચેકડેમ ધરાશાયી