ખેડા જિલ્લાના મહેમદાવાદમાં વિદેશી દારૂની હેરાફેરી સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે દરોડો પાડીને પોલીસે પૂર્વ કાઉન્સિલર દર્શન પટેલ ઉર્ફે ફિફો સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન ₹36,600ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
આ કેસમાં પૂર્વ કાઉન્સિલરનું નામ સામે આવતાં સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. નોંધનીય છે કે દર્શન પટેલને અગાઉ ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
રાધેકિશન બંગલોઝ પાછળ પોલીસનો દરોડો
મળતી માહિતી મુજબ,મહેમદાવાદ પોલીસને વિદેશી દારૂની હેરાફેરી અંગે ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસની ટીમે રાધેકિશન બંગલોઝ પાછળ આવેલા રોડની સાઈડમાં દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મુંબઈથી બેગમાં દારૂ લઈને આવ્યો હોવાનો ખુલાસો
પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, મુંબઈમાં રહેતો બિરેન કૌશિકભાઈ પુરોહિત બેગમાં વિદેશી દારૂની બોટલો લઈને મહેમદાવાદ આવ્યો હતો. અહીં દારૂની ડિલિવરી આપવાની તૈયારી ચાલી રહી હોવાની માહિતી મળી છે.
જોકે, દારૂની ડિલિવરી થાય તે પહેલાં જ પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન બિરેન પુરોહિત સહિત ચાર આરોપીઓ ઝડપાયા હતા.
પૂર્વ કાઉન્સિલર દર્શન પટેલ ઉર્ફે ફિફો પણ ઝડપાયો
આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં મહેમદાવદના પૂર્વ કાઉન્સિલર દર્શન પટેલ ઉર્ફે ફિફોનો પણ સમાવેશ થાય છે. અગાઉ તેને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.હવે વિદેશી દારૂની હેરાફેરીના કેસમાં તેનું નામ સામે આવતાં મહેમદાવદના રાજકીય અને સ્થાનિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

