પાકિસ્તાનમાં ક્રૂરતાની હદ પાર: ગુરુદ્વારામાં ઘૂસીને વયસ્ક શીખ દંપતીની ગોળી મારી હત્યા

Pakistan Gurdwara Shooting Case

Pakistan Gurdwara Shooting Case પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયો, ખાસ કરીને શીખ અને હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને અસુરક્ષાનો વધુ એક અત્યંત લોહિયાળ અને કરુણ કિસ્સો સામે આવ્યો છે. સત્તાવાર અહેવાલ અનુસાર, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa) પ્રાંતના મરદાન જિલ્લામાં આવેલા એક ગુરુદ્વારાની અંદર ઘૂસીને અજ્ઞાત હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરીને એક વયસ્ક શીખ દંપતીની નિર્મમ હત્યા કરી નાખી છે. આ ઘટનાને પગલે ભારતમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી (SGPC) અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ નેતાઓએ સખત શબ્દોમાં આક્રોશ વ્યક્ત કરીને આંતરરાષ્ટ્રીય સંગઠનોના હસ્તક્ષેપની માંગ કરી છે.

Pakistan Gurdwara Shooting Case ગુરુદ્વારામાં સેવા કરતા ૭૦ વર્ષીય રખેવાળ દંપતીનો લેવાયો ભોગ 

અહેવાલ અનુસાર, આ હૃદયદ્રાવક ઘટના મરદાનના ખ્વાજા ગંજ બજારના બાબુ મોહલ્લામાં સ્થિત ગુરુદ્વારામાં બની હતી. મૃતકોની ઓળખ ૭૦ વર્ષીય જગન્નાથ અને તેમની પત્ની આસમા વંતી તરીકે થઈ છે, જેઓ છેલ્લા ઘણા સમયથી આ પવિત્ર ગુરુદ્વારાના કેરટેકર (રખેવાળ) તરીકે સેવા આપી રહ્યા હતા. હુમલાખોરો હથિયારો સાથે ગુરુદ્વારા પરિસરમાં ઘૂસ્યા હતા અને નિર્દોષ દંપતી પર ગોળીઓ વરસાવીને સરળતાથી ફરાર થઈ ગયા હતા. ચોંકાવનારી વાત એ છે કે, ગુરુદ્વારાની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવેલો પોલીસ ગાર્ડ ઘટના સમયે ગેરહાજર હતો અને પરિસરમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાનું ડીવીઆર પણ બંધ હાલતમાં મળી આવ્યું છે, જેનાથી સુરક્ષા એજન્સીઓની મિલીભગતની આશંકાઓ સેવાઈ રહી છે.

નેહરુ-લિયાકત કરારનું ઉલ્લંઘન, ભાજપે વૈશ્વિક મંચ પર ઘેર્યું 

આ ઘટના બાદ ભારતમાં રાજકીય પારો ગરમાયો છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ અને રાષ્ટ્રીય પ્રવક્તા આરપી સિંહે આ હત્યાકાંડની આકરી ટીકા કરી છે. ભાજપ નેતાઓએ જણાવ્યું છે કે, પાકિસ્તાન વર્ષ ૧૯૫૦ ના ઐતિહાસિક ‘નેહરુ-લિયાકત કરાર’ (Nehru-Liaquat Pact) નું સતત ઉલ્લંઘન કરી રહ્યું છે, જેમાં બંને દેશોમાં લઘુમતીઓના રક્ષણની ગેરંટી આપવામાં આવી હતી. ભાજપે માંગ કરી છે કે સંયુક્ત રાષ્ટ્ર (UN) અને અન્ય આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ તાત્કાલિક આ બાબતે હસ્તક્ષેપ કરવો જોઈએ અને પાકિસ્તાનમાં વસતા શીખ-હિન્દુ પરિવારોના જીવની સુરક્ષા સુનિશ્ચિત કરાવવી જોઈએ. પાકિસ્તાનના જ પૂર્વ સાંસદ બુશરા ગોહરે પણ પોતાની જ સરકારને ઘેરતા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતને ‘કિલિંગ ફિલ્ડ’ (હત્યાનું મેદાન) ગણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *