Congress CWC Meeting Ahmedabad: કોંગ્રેસે સરદાર પટેલને સમર્પિત પ્રસ્તાવ પસાર કર્યો

Congress CWC Meeting Ahmedabad: અમદાવાદમાં 64 વર્ષ બાદ ફરી એકવાર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું છે. 8 એપ્રિલના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટીની (CWC) મહત્વપૂર્ણ બેઠક સરદાર પટેલ સ્મારક ખાતે યોજાઈ હતી. સવારે 11:50 વાગ્યે શરૂ થયેલી આ બેઠક સાંજના 3:50 વાગ્યા સુધી ચાલી હતી. કુલ 158 સભ્યોની હાજરી સાથે ચાર કલાક ચાલી હતી બેઠકમાં સરદાર પટેલને સમર્પિત વિશેષ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તમામ CWC સભ્યોને “PATEL: A LIFE” પુસ્તક ભેટરૂપે આપવામાં આવ્યું હતું, અને બેઠક બાદ સરદાર સ્મારક બહાર ફોટોશૂટ પણ યોજાયું.

ખડગેનો સંદેશઃ “ગુજરાત અમારું પ્રેરણાકેન્દ્ર છે”
બેઠકના પ્રારંભે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, “કોંગ્રેસના 140 વર્ષના ઈતિહાસમાં ગુજરાત એક એવો પ્રદેશ રહ્યો છે, જ્યાંથી પાર્ટીને ભારે શક્તિ મળી છે. આજે ફરી અમને અહીંથી નવી શક્તિ અને પ્રેરણા લેવી છે. અસલી તાકાત દેશની એકતા, અખંડિતતા અને સામાજિક ન્યાયની વિચારધારા છે.”

ગાંધી-પટેલના રાજ્યમાંથી સંઘર્ષનો સંકલ્પ
આ બેઠકમાં સરદાર પટેલ કેન્દ્રસ્થાને રહ્યા. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે જે લોકો ક્યારેય સરદારના વિચારોને સ્વીકાર્યા નહીં, તેઓ આજે તેમના વારસદારો હોવાનું દાવો કરે છે. સરદાર એવા નેતા હતા જેમણે સ્વતંત્ર ભારતની એકતા માટે કટિબદ્ધ પ્રયાસો કર્યા અને તે જ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર પ્રતિબંધ પણ મૂક્યો. આજે એ સંઘ સાથે જોડાયેલી પાર્ટીઓ તેમની છાયામાં ઉભા રહેવાનો પ્રયત્ન કરી રહી છે.

ગાંધી આશ્રમમાં સાંજે પ્રાર્થના સભા, 9 એપ્રિલે મુખ્ય અધિવેશન
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી CWC બેઠકમાં હાજર રહ્યા. જોકે, પ્રિયંકા ગાંધી અધ્યક્ષની મંજૂરી સાથે ગેરહાજર રહ્યા.   બંને નેતાઓ સાબરમતી આશ્રમ જઈ પ્રાર્થનાસભામાં ભાગ લેશે.

આ વચ્ચે, 9 એપ્રિલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્ય અધિવેશન યોજાવાનું છે, જેમાં દેશભરના 1,700થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. આ અધિવેશન ‘ન્યાયપથ: સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ’ થીમ પર આધારિત છે. જેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં પાર્ટી સંઘટનને મજબૂત બનાવવો અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ ઘડવી છે.

ક્યારેય ભૂલાય નહીં એવું વર્ષઃ ગાંધીના અધ્યક્ષપદને 100 વર્ષ અને સરદારની 150મી જન્મજયંતિ
આ અધિવેશન માટે વર્ષ 2025 ખાસ છે કારણ કે મહાત્મા ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ તરીકે કાર્યકાળને 100 વર્ષ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. બંને મહાન નેતાઓના જન્મસ્થળ ગુજરાતમાં હોવાથી કોંગ્રેસે અહીંથી નવી શરૂઆતનો સંકલ્પ લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *