મહાકૌભાંડ: રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન વખતે અધિકારીઓ 46 લાખ રૂપિયાનો નાસ્તો ઝાપટી ગયા!

RMC Demolition Food Bill રાજકોટ મહાનગરપાલિકા (RMC) અત્યારે અધિકારીઓના લાખો રૂપિયાના નાસ્તા-પાણીના બિલને લઈને ભારે ચર્ચામાં છે. છેલ્લા બે દિવસથી રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન વખતે અધિકારીઓ અને પદાધિકારીઓનો ખાણીપીણીનો ખર્ચ 46 લાખ રૂપિયાની આસપાસ આવતા નવા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને આખી બોડી સામે સવાલો ઉભા થયા છે. આ આંકડો સાંભળીને રાજકોટની જનતા પણ હલબલી ગઈ છે.

RMC Demolition Food Bill ભૂતકાળમાં તો આખા રોડ ખવાઈ ગયા! 

જો માત્ર નાસ્તા-પાણીના બિલ જેવી બાબતમાં આટલો મોટો ખળભળાટ મચી જતો હોય, તો વિપક્ષ અને જાગૃત નાગરિકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે, ભૂતકાળમાં કરોડો રૂપિયાના ન પચે તેવા તોતિંગ બિલો ચૂપચાપ પસાર થઈ ગયા ત્યારે તંત્રમાં ધરતીકંપ કેમ ન આવ્યો? અત્યારે માત્ર કાજુકતરી, ખમણ અને ખજૂર રોલના મુદ્દે પદાધિકારીઓના ભાવ ઊંચા થઈ ગયા છે. પરંતુ, સૌ કોઈ જાણે છે કે ભૂતકાળમાં તો અહીં આખા ને આખા રોડ ખવાઈ ગયા છે! કાગળ પર બોગસ બિલો મુકાયા અને આંખ આડા કાન કરીને પાસ પણ કરી દેવાયા, ત્યારે કોઈનું પાંદડું પણ હલ્યું નહોતું. હાલમાં RMC ની નવી કમિટી સારું કામ કરી રહી હોવાનો માહોલ છે, પરંતુ સાચું કામ ત્યારે જ ગણાશે જ્યારે તેઓ ભૂતકાળના બોગસ બિલોની તપાસ કરી તે નાણાં કોર્પોરેશનની તિજોરીમાં પરત જમા કરાવે.

પાણીની બોટલ અને મંડપમાં મોટી લૂંટ (Fake Billing in RMC)

હજી 27 લાખના ખાણીપીણીના બિલનો મુદ્દો શાંત નથી પડ્યો, ત્યાં સાંસ્કૃતિક કમિટી દ્વારા પાછલા બારણેથી મંડપ સર્વિસનું રૂપિયા 9 લાખનું બિલ મુકાયું અને પસાર પણ થઈ ગયું! આશ્ચર્યની વાત એ છે કે, બજારમાં જે 200 ml ની પાણીની બોટલ 5 રૂપિયામાં મળે છે, તે ઉમિયા મંડપ સર્વિસ દ્વારા કોર્પોરેશનને 8 રૂપિયામાં સપ્લાય કરવામાં આવી છે. તપાસ કરતા સામે આવ્યું કે રેટ કોન્ટ્રાક્ટ જ 8 રૂપિયાનો હતો. આ રેટ કોન્ટ્રાક્ટ કોણે મંજૂર કર્યો તે સૌથી મોટો તપાસનો વિષય છે.

ચાની લારી પરથી લેવાઈ મીઠાઈ! (Fake Bills RMC Investigation)

ડિમોલિશન વખતે સામાજિક સંસ્થાઓએ ભોજન અને ચા-પાણીની મફત વ્યવસ્થા કરી હતી, તો પછી આટલું મોટું બિલ કેવી રીતે આવ્યું? પત્રકાર પરિષદમાં નાસ્તાની એક ડીશના રૂપિયા 210 બતાવવામાં આવ્યા છે, જ્યારે જમવાની થાળી 150 રૂપિયામાં આવે છે! સૌથી ચોંકાવનારી વાત એ છે કે માત્ર ચા-નાસ્તો વેચતા ‘આરાધના ટી સ્ટોલ’ ના નામે મીઠાઈના બિલો મુકાયા છે. ચા વેચનારના નામે મીઠાઈનું બિલ કેવી રીતે બની ગયું?

કોર્પોરેશનની નવી સમિતિમાં આ વખતે જનરલ બોર્ડ જે રીતે ચાલ્યું તે ઇતિહાસમાં દાખલો બેસાડે તેવું રહ્યું, કારણ કે ગત ટર્મમાં માત્ર અડધી-પોણી કલાકમાં જ બધું મંજૂર થઈ જતું હતું. હવે જોવાનું એ રહે છે કે, શહેરના નવા મેયર અને ચેરમેન ગોટાળા કરનારાઓ પાસેથી રૂપિયા વસૂલીને રાજકોટની પ્રજાનું હિત જાળવે છે કે નહીં.

આ પણ વાંચો: સુરતના નાસિરનગર ડિમોલિશન કેસમાં હાઇકોર્ટે સુરત પાલિકા અને પોલીસને ખખડાવ્યા,આપ્યા આ આદેશ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *