Gujarat ATS Tramadol Seizure : ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ રાજ્યમાં નશીલા પદાર્થોના કાળા કારોબાર સામે લાલ આંખ કરી વધુ એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. પોલીસે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક લક્ઝરી બસમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ. ૮.૩૨ કરોડની કિંમત ધરાવતી પ્રતિબંધિત ડ્રગ્સની ૨.૦૮ લાખ ટેબ્લેટ્સ જપ્ત કરી છે. આ આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર અને રાજસ્થાનના મેડિકલ સ્ટોકિસ્ટની ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે.
Gujarat ATS Tramadol Seizure : દવાઓના બિલના ઓથા હેઠળ ડ્રગ્સની હેરફેર
ATS ના નાયબ પોલીસ અધિક્ષક (DySP) ને ચોક્કસ બાતમી મળી હતી કે, મૂળ રાજસ્થાનનો અને હાલ વલસાડના પારડીમાં રહેતો પરેશ પારસમલ જૈન લાંબા સમયથી પ્રતિબંધિત ટ્રામાડોલ ગોળીઓના ગેરકાયદે વેપારમાં સંકળાયેલો છે. બાતમીના આધારે ટેકનિકલ સર્વેલન્સ ગોઠવતા જાણવા મળ્યું હતું કે, ૨૫ જૂનના રોજ અંકલેશ્વરથી ‘ન્યૂ મહાવીર મેડિકલ’ ના નામે અન્ય દવાઓનું બોગસ ટેક્સ ઇન્વોઇસ બનાવીને ‘એમ.આર. ટ્રાવેલ્સ’ ની લક્ઝરી બસમાં આ જથ્થો રાજસ્થાનના પાલી મોકલવામાં આવી રહ્યો છે.
શાહીબાગમાં અડધી રાત્રે બસ આંતરી દરોડો
આ બાતમીના આધારે ATS ની ટીમે મોડી રાત્રે શાહીબાગ નમસ્તે સર્કલ પાસે આવેલી ટ્રાવેલ્સની ઓફિસ નજીક વોચ ગોઠવી હતી. બસ આવતા જ તેને આંતરીને તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન પાર્સલમાંથી બોક્સ નંબર ૬ મળી આવ્યું હતું, જેમાં ‘Scovidol-100’ બ્રાન્ડ નામ ધરાવતી ટ્રામાડોલ હાઈડ્રોક્લોરાઈડ ૧૦૦ મિલીગ્રામની કુલ ૨,૦૮,૦૦૦ ટેબ્લેટ્સ (૪,૧૬૦ સ્ટ્રિપ્સ) મળી આવી હતી. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. ૮.૩૨ કરોડ આંકવામાં આવી છે.
આરોપીને ઉદયપુરથી દબોચ્યો
બીજી તરફ, મુખ્ય આરોપી પરેશ જૈન રાજસ્થાન ભાગી ગયો હતો. જોકે, ATS ની ટીમે પીછો કરીને તેને ઉદયપુર જિલ્લાના ગોગુંદા તાલુકામાંથી ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, મે-૨૦૨૬ થી જૂન-૨૦૨૬ ના માત્ર બે જ મહિનાના ટૂંકા ગાળામાં તેણે ૨૫ જેટલા કન્સાઇનમેન્ટ દ્વારા કુલ ૬૨.૫૪ લાખ ટ્રામાડોલ ગોળીઓ ખરીદીને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં સપ્લાય કરી હતી. ચાલુ વર્ષે મે મહિનામાં મેડિકલ સ્ટોકિસ્ટનું લાયસન્સ મેળવ્યા બાદ તેણે આ કાયદેસરના ધંધાની આડમાં ડ્રગ્સનો કાળો કારોબાર શરૂ કર્યો હતો.
આરોપીનો જૂનો ગુનાહિત ઇતિહાસ
પરેશ જૈન અગાઉ પણ ઉત્તરાખંડના હરિદ્વાર અને મહારાષ્ટ્રના થાણેમાં કોડીન યુક્ત કફ સિરપના ગેરકાયદે જથ્થા સાથે NDPS એક્ટ હેઠળ પકડાઈ ચૂક્યો છે. આ ઉપરાંત, ગત મહિને વાપીમાંથી ઝડપાયેલા ૨.૩૮ કિલો મેફેડ્રોન (MD Drugs) ના કેસમાં પણ તેનું નામ ખુલ્યું હતું. ATS હાલમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતો અને અંકલેશ્વરથી ડ્રગ્સ સપ્લાય કરનારા મુખ્ય સોર્સની વિગતો મેળવવા વધુ તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો: મહાકૌભાંડ: રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન વખતે અધિકારીઓ 46 લાખ રૂપિયાનો નાસ્તો ઝાપટી ગયા!

