SpiceJet Flight Delay: દિવાળી વેકેશનમાં શ્રીનગર ફરવા જવાની તૈયારી કરીને નીકળેલા અમદાવાદ સહિત રાજ્યભરના આશરે ૧૮૯ મુસાફરોને અમદાવાદ એરપોર્ટ પર આખો દિવસ રઝળવાનો વારો આવ્યો હતો. સ્પાઇસજેટની અમદાવાદથી શ્રીનગર જતી SG 9634 ફ્લાઇટ નિર્ધારિત સમય સવારે ૮:૪૦ વાગ્યે ઉપડી ન હતી. ફ્લાઇટ પકડવા માટે મુસાફરો વહેલી સવારે ૫થી ૬ વાગ્યાની આસપાસ એરપોર્ટ પહોંચી ગયા હતા. જોકે, ટેકનિકલ કારણોસર ફ્લાઇટ એક કલાક મોડી ઉપડશે તેમ જણાવ્યા બાદ એરલાઇન્સ દ્વારા વારંવાર સમય લંબાવવામાં આવ્યો હતો. પરિણામે રાતના ૮ વાગ્યા સુધી પણ ફ્લાઇટ ઉપડી ન હતી અને મુસાફરોને ૧૨ કલાકથી વધુ સમય ટર્મિનલમાં બેસી રહેવાની ફરજ પડી હતી.

મુસાફરોના જણાવ્યા મુજબ, સવારે એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેમણે ચેકિંગ કરાવી લગેજ પણ જમા કરાવી દીધો હતો. ત્યારબાદ ફ્લાઇટની રાહ જોઈ રહ્યા હતા. સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ એરલાઇન્સના અધિકારીઓએ ટેકનિકલ કારણોસર ફ્લાઇટ એક કલાક મોડી ઉપડશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ દર એક-બે કલાકે ફ્લાઇટનો સમય લંબાવવામાં આવતો રહ્યો હતો. જોકે, ફ્લાઇટ ક્યારે ઉપડશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી ન હતી. આખો દિવસ રાહ જોયા બાદ પણ સ્થિતિ સ્પષ્ટ ન થતાં બપોર પછી અને સાંજે મુસાફરોએ ટર્મિનલમાં હોબાળો કર્યો હતો. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા CISFના જવાનોને પણ આવવું પડ્યું હતું.
SpiceJet Flight Delay: લગેજ જમા હોવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા
મુસાફરોની સૌથી મોટી મુશ્કેલી એ હતી કે સવારે જ તેમનું લગેજ એરલાઇન્સમાં જમા થઈ ગયું હતું. જેના કારણે અનેક મુસાફરોની દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓ બેગમાં જ રહી ગઈ હતી. બાળકો સાથે મુસાફરી કરી રહેલા પરિવારોની હાલત પણ કફોડી બની હતી. બીજી તરફ, લાંબા સમય સુધી રાહ જોવી પડી હોવા છતાં એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે ચા-નાસ્તા કે બપોરના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી ન હોવાના આક્ષેપો પણ થયા હતા. આ દરમિયાન કેટલાક મુસાફરોની તબિયત પણ બગડી હોવાની માહિતી સામે આવી છે.

