Tata Motors Share: શેરબજારમાં તેજી વચ્ચે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સના શેરમાં આજે ભારે ઘટાડો નોંધાયો છે. BSE પર પ્રારંભિક કારોબારમાં કંપનીનો શેર આશરે 9 ટકા તૂટીને ₹262.40 પર પહોંચ્યો હતો. કંપનીએ બીજા ત્રિમાસિકમાં ₹5,531 કરોડની ખોટ નોંધાવી છે. નબળાં નાણાકીય પરિણામો અને બ્રિટિશ એકમ જગુઆર લેન્ડ રોવર (JLR)ના સુધારેલા અંદાજની અસર શેરના ભાવ પર જોવા મળી હોવાનું માનવામાં આવે છે.
કંપનીના જણાવ્યા અનુસાર, ત્રિમાસિક ખોટ પાછળ ₹6,738 કરોડનો એક વખતનો ચાર્જ પણ જવાબદાર છે. જોકે, આ સમયગાળામાં કામગીરીમાંથી આવક 34 ટકા વધીને ₹96,920 કરોડ થઈ હતી. ગયા વર્ષના સમાન ત્રિમાસિકમાં આવક ₹72,349 કરોડ હતી.
બીજી તરફ, કંપનીનો કુલ ખર્ચ પણ વધ્યો છે. જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન કુલ ખર્ચ 23 ટકા વધીને ₹97,827 કરોડ થયો હતો, જે ગયા વર્ષે સમાન સમયગાળામાં ₹79,310 કરોડ હતો.
Tata Motors Share: JLRના અંદાજમાં ફેરફારથી રોકાણકારોની ચિંતા
ટાટા મોટર્સની બ્રિટિશ કંપની JLRએ બજારના પડકારો, ભૌગોલિક-રાજકીય જોખમો અને ખર્ચમાં વધારાને ધ્યાનમાં રાખીને ચાલુ નાણાકીય વર્ષ માટેનું અનુમાન ઘટાડ્યું છે. હવે કંપનીએ EBITDA માર્જિન 2થી 3 ટકા રહેવાનો અને આશરે 1.25 અબજ પાઉન્ડનો ફ્રી કેશ આઉટફ્લો થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. જોકે, JLRની બીજા ત્રિમાસિકની આવક વાર્ષિક ધોરણે 20.3 ટકા વધીને 5.9 અબજ પાઉન્ડ રહી હતી.
ત્રિમાસિક પરિણામો બાદ બ્રોકરેજ કંપની Motilal Oswalએ ટાટા મોટર્સ માટે ‘સેલ’ રેટિંગ જાળવી રાખ્યું છે અને ટાર્ગેટ પ્રાઇસ ઘટાડીને ₹240 કરી છે. આ NSE પર અગાઉના બંધ ભાવ કરતાં આશરે 16 ટકા ઓછું છે.
શેરના પ્રદર્શન પર નજર કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં તેમાં લગભગ 3 ટકાનો ઘટાડો થયો છે. ચાલુ વર્ષ દરમિયાન શેર 22 ટકા અને છેલ્લા એક વર્ષમાં 26 ટકા ઘટ્યો છે.
BSE પર શેર અગાઉના સત્રમાં ₹287 પર બંધ થયો હતો અને આજે ₹272 પર ખુલ્યો હતો. કારોબાર દરમિયાન તે ₹262.40 સુધી નીચે ગયો હતો. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી ₹408.20 અને નીચી સપાટી ₹259.20 રહી છે.

