Vadodara Medical College Ragging મામલે વડોદરાની જીએમઈઆરએસ સંચાલિત ગોત્રી મેડિકલ કોલેજમાં ભારે ચકચાર મચી છે. કોલેજના ત્રણ જુનિયર વિદ્યાર્થીઓએ સિનિયર વિદ્યાર્થીઓ સામે રેગિંગ અને માનસિક ત્રાસ આપવાના ગંભીર આક્ષેપો સાથે નેશનલ મેડિકલ કમિશન (NMC)માં ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ કોલેજના સત્તાધીશોએ એન્ટી રેગિંગ કમિટીની બેઠક બોલાવીને તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે.
ફરિયાદ કરનારા ત્રણેય વિદ્યાર્થીઓ કમિટી સમક્ષ નિવેદન આપવા હાજર રહ્યા હતા. ત્યારબાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરીને પોતાની આપવીતી જણાવી હતી. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, કોલેજ કેમ્પસમાં ફટાકડા ફોડવાની ઘટના બાદ ચોથા વર્ષના કેટલાક સિનિયર વિદ્યાર્થીઓએ જવાબદારોની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન બીજા વર્ષના ત્રણ વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.
વિદ્યાર્થીઓના દાવા પ્રમાણે, 25 નવેમ્બરની મધરાતે સિનિયરોએ બીજા વર્ષની આખી બેચને હોસ્ટેલની લોબીમાં હાજર રહેવા કહ્યું હતું. ઊંઘી રહેલા વિદ્યાર્થીઓને પણ ઉઠાડીને લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ લગભગ ત્રણ કલાક સુધી માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો આરોપ છે.
એક વિદ્યાર્થીએ આઠમા માળેથી કૂદવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ
વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, એક વિદ્યાર્થીને હોસ્ટેલના આઠમા માળે આવેલા રૂમ નંબર 814માં બોલાવીને અભદ્ર ભાષામાં અપશબ્દો કહેવામાં આવ્યા હતા. એક વિદ્યાર્થીએ દાવો કર્યો હતો કે તેને રેલિંગ પરથી કૂદવાનો વિચાર આવ્યો હતો, પરંતુ તેનો પગ રેલિંગમાં ફસાઈ જતાં પાછળ દોડેલા અન્ય વિદ્યાર્થીઓએ તેને બચાવી લીધો હતો.
ફરિયાદી વિદ્યાર્થીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તેમની પાસે ન કરેલા કૃત્યની કબૂલાત કરાવવા દબાણ કરવામાં આવ્યું હતું. કબૂલાત નહીં કરે તો માર મારવાની અને કારકિર્દી બરબાદ કરવાની ધમકીઓ અપાઈ હતી. એક વિદ્યાર્થીએ જાતિ આધારિત અપમાનજનક ટિપ્પણીઓ કરાઈ હોવાનો પણ આરોપ મૂક્યો છે.
આત્મહત્યાનો પ્રયાસ કરવાનો વિચાર આવ્યો હોવાનું જણાવનાર વિદ્યાર્થીએ ત્રાસ આપનારા સિનિયર વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માગ કરી છે. હાલ આ મામલે એન્ટી રેગિંગ કમિટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, સિનિયર વિદ્યાર્થીઓનો પક્ષ અને તપાસનું અંતિમ પરિણામ સામે આવ્યું નથી.

