LPG Shortage Ahmedabad: શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની (Commercial Gas Cylinder) અછતની ગંભીર અસર હવે સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓના રોજિંદા જીવન પર પડવા લાગી છે. અમદાવાદના (Ahmedabad) મણિનગર વિસ્તારમાં આવેલા અને હજારો લોકો માટે આશીર્વાદરૂપ મનાતા ‘શ્રી સ્વામિનારાયણ ભોજનાલય’ (Swaminarayan Bhojanalay) ને LPG ગેસની ભારે શોર્ટેજના કારણે આજથી (13 માર્ચ) અનિશ્ચિતકાળ માટે બંધ કરવાનો વારો આવ્યો છે. સસ્તા અને શુદ્ધ ભોજન માટે જાણીતા આ ભોજનાલય પર અચાનક તાળા વાગી જતા રોજિંદા જમનારા સેંકડો વિદ્યાર્થીઓ અને શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા છે.
LPG Shortage Ahmedabad: કોમર્શિયલ ગેસની ભારે અછત
મણિનગર ગાદી સેવા સંસ્થાન દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ પર ચાલતા આ ભોજનાલયના સંચાલક રાજસિંહ રાઠોડે વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “છેલ્લા 5 થી 6 દિવસથી શહેરમાં ગેસની ભારે શોર્ટેજ ચાલી રહી છે. અમે કોમર્શિયલ સિલિન્ડર માટે વારંવાર ઓર્ડર આપીએ છીએ, છતાં સપ્લાય મળી રહ્યો નથી. ગેસ વિના સેંકડો લોકોની રસોઈ બનાવવી અશક્ય હોવાથી, ભારે હૈયે અમારે ભોજનાલયની કામગીરી હંગામી ધોરણે સ્થગિત કરવી પડી છે.” તેમણે ખાતરી આપી હતી કે જેવો ગેસનો પુરવઠો સામાન્ય થશે કે તરત જ ભોજનાલયની સેવા પુનઃ શરૂ કરવામાં આવશે. હાલમાં સંચાલકોએ બહાર નોટિસ બોર્ડ પણ લગાવી દીધું છે.
વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગને આર્થિક ફટકો
શ્રી સ્વામિનારાયણ ભોજનાલયમાં દરરોજ અંદાજે 400 થી 500 જેટલા લોકો જમવા આવે છે. આમાં મોટાભાગે બહારગામથી આવીને ભણતા વિદ્યાર્થીઓ (Students), માર્કેટમાં કામ કરતા શ્રમિકો અને પીજી (PG) માં રહેતા મધ્યમ વર્ગના નોકરિયાતોનો સમાવેશ થાય છે.
અહીં નિયમિત જમવા આવતા હેમાંદ્રી નામના એક વિદ્યાર્થીએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, “અમે હોસ્ટેલમાં રહીએ છીએ અને અહીં બહુ જ સારું અને પરવડે તેવું જમવાનું મળે છે. આજે જમવા આવ્યા ત્યારે ખબર પડી કે ગેસ નથી એટલે ભોજનાલય બંધ છે. હવે અમારે નાછૂટકે બીજી કોઈ મોંઘી જગ્યાએ જમવાની વ્યવસ્થા કરવી પડશે. વિદ્યાર્થીઓ તરીકે અમારા માટે બહારનું મોંઘુ ભોજન રોજ ખાવું આર્થિક રીતે પોસાય તેમ નથી.
ઉલ્લેખનીય છે કે, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને પગલે સર્જાયેલી ઊર્જા કટોકટીની (Energy Crisis) સીધી અસર હવે સ્થાનિક બજારો અને સામાન્ય માણસના ખિસ્સા સુધી પહોંચી ગઈ હોવાનું આ ઘટના પરથી સ્પષ્ટ દેખાય છે.
આ પણ વાંચો: ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-માંસની મહેફિલનો વીડિયો વાયરલ,પૂજારી સહિત 11 સસ્પેન્ડ!

