Strait of Hormuz conflict ખાડી ક્ષેત્રમાં ચાલી રહેલા સંઘર્ષ અને વધતા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વની મુખ્ય મહાસત્તાઓને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) માં પોતાના નૌકાદળના જહાજો તૈનાત કરવા અપીલ કરી છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ ભોગે આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગને જહાજોની અવરજવર માટે ખુલ્લો રાખશે.
Strait of Hormuz conflict સહયોગી દેશો પાસે મદદની માંગ
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth Social’ પર જણાવ્યું છે કે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા અને બ્રિટન સહિતના દેશોએ પોતાના જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અમેરિકા સાથે મળીને આ વિસ્તારમાં યુદ્ધજહાજો મોકલવા જોઈએ.
ઈરાનને આકરી સૈન્ય ચેતવણી
રાષ્ટ્રપતિએ ચેતવણી આપી છે કે જો ઈરાન ડ્રોન, માઇન્સ કે મિસાઇલો દ્વારા આ જળમાર્ગને અવરોધવાનો પ્રયાસ કરશે, તો અમેરિકા સીધી સૈન્ય કાર્યવાહી કરશે અને ઈરાનના દરિયાકાંઠાના વિસ્તારો પર ભારે બોમ્બમારો કરી શકે છે.
ખાર્ગ ટાપુ પર હુમલો:
તાજેતરમાં જ અમેરિકન હુમલાઓમાં ખાર્ગ ટાપુ પર આવેલા સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે. અમેરિકાએ સંકેત આપ્યો છે કે જો ઈરાન માર્ગ બંધ કરવાની જીદ પકડશે તો તેના મહત્વના ક્રૂડ ઓઇલ મથકોને પણ નિશાન બનાવવામાં આવશે.
ઈરાનનો વળતો જવાબ:
આ હુમલાઓ બાદ ઈરાને પણ કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો તેના ઊર્જા મથકો (Energy sites) પર હુમલો થશે, તો તે અમેરિકા સાથે જોડાયેલા ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સંપૂર્ણપણે નષ્ટ કરી દેશે.
વૈશ્વિક તેલ પુરવઠા પર અસર:
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આસપાસ તણાવ વધતા જહાજોની અવરજવર ઘટી ગઈ છે અને ઘણા ઓઇલ ટેન્કરોએ સુરક્ષાના કારણોસર આ માર્ગથી અંતર જાળવવાનું શરૂ કર્યું છે, જેનાથી વૈશ્વિક ઊર્જા પુરવઠાને ગંભીર અસર થવાની આશંકા છે.
આ પણ વાંચો: ઈરાનનો ટ્રમ્પને જડબાતોડ જવાબ: શાંતિ વાટાઘાટોનો ઇનકાર, ‘અમે ૫ વર્ષ સુધી યુદ્ધ લડવા તૈયાર’

