Vadodara School Knife Attack : શિક્ષણના ધામ ગણાતી શાળાઓમાં હવે બાળકો પુસ્તકોની સાથે હથિયારો લઈને જઈ રહ્યા છે કે કેમ, તેવો ગંભીર સવાલ ઊભો કરતી એક ચોંકાવનારી ઘટના વડોદરા શહેરમાંથી સામે આવી છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી એક જાણીતી સ્કૂલમાં માત્ર ધક્કો વાગવા જેવી સામાન્ય બાબતે ધોરણ 9 ના બે સગીર વિદ્યાર્થીઓ વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો, જેમાં એક વિદ્યાર્થીએ બીજા પર ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો.
Vadodara School Knife Attack: પરીક્ષા છૂટતી વખતે બની ઘટના
મળતી માહિતી મુજબ, કારેલીબાગ વિસ્તારમાં આવેલી સરદાર વિનય વિદ્યાલયમાં 11 એપ્રિલના રોજ વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર નીકળી રહ્યા હતા, ત્યારે ભીડમાં ધોરણ 9 માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે આકસ્મિક રીતે ધક્કો વાગી ગયો હતો. આટલી નાની બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી.
જોતજોતામાં જ વિવાદ એટલો વકરી ગયો કે ઉશ્કેરાયેલા એક વિદ્યાર્થીએ પોતાની પાસે રહેલા ચાકુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે સાથી વિદ્યાર્થી પર હુમલો કરી દીધો હતો. હુમલાને પગલે સ્કૂલ કેમ્પસમાં ભારે નાસભાગ અને ચકચાર મચી ગઈ હતી. લોહીલુહાણ થયેલા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે વડોદરાની એસએસજી (SSG) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ભવિષ્ય બગડે નહીં તે માટે વાલીઓએ કર્યું ‘સમાધાન’
સ્કૂલમાં હુમલાની જાણ થતાં જ કારેલીબાગ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હુમલો કરનાર વિદ્યાર્થીને કસ્ટડીમાં લઈ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવી હતી. આ ગંભીર ઘટનાની જાણ થતાં બંને વિદ્યાર્થીઓના વાલીઓ પણ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા.
જોકે, પોલીસ સ્ટેશનમાં લાંબી ચર્ચાઓ અને સમજાવટ બાદ, બંને પક્ષના વાલીઓએ એવું વલણ અપનાવ્યું હતું કે પોલીસ કેસ કરવાથી બંને સગીર બાળકોનું ભવિષ્ય બગડી શકે છે. બાળકોની કારકિર્દીને ધ્યાનમાં રાખીને, વાલીઓએ કાયદેસરની ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અને પોલીસની હાજરીમાં જ પરસ્પર સહમતીથી ‘સમાધાન’ કરી લીધું હતું.
સ્થાનિકો અને અન્ય વાલીઓમાં ગંભીર ચિંતા
ભલે આ કેસમાં પોલીસ ફરિયાદ ન થઈ હોય, પરંતુ સ્કૂલે જતા 14-15 વર્ષના સગીર વિદ્યાર્થીઓના દફ્તરમાંથી ચાકુ કે તીક્ષ્ણ હથિયારો મળી આવે અને જરા સરખા ગુસ્સામાં તેઓ જીવલેણ હુમલો કરતા અચકાય નહીં, આ માનસિકતાએ સમાજ અને અન્ય વાલીઓમાં ભારે ચિંતા જન્માવી છે. શાળા સંચાલકોએ પણ કેમ્પસમાં સુરક્ષા અને બાળકોના વર્તન પર હવે વધુ કડક દેખરેખ રાખવી જરૂરી બની ગઈ છે.

