Pentagon Bus Crash : અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલય ‘પેન્ટાગોન’ (Pentagon) નજીક શુક્રવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. વોશિંગ્ટન ડીસીમાં આવેલા પેન્ટાગોન મેટ્રો સ્ટેશન પાસે બે બસો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ઓછામાં ઓછા 23 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના બાદ સુરક્ષા કારણોસર મેટ્રો સ્ટેશનને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.
Pentagon Bus Crash : 10 સંરક્ષણ વિભાગના કર્મચારીઓ ઘાયલ
પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સવારે લગભગ 7:20 વાગ્યાની આસપાસ મેટ્રો એક્સેસ રોડ પર એક ઓમનીરાઈડ (OmniRide) બસ અને ફેરફેક્સ કનેક્ટર (Fairfax Connector) ટ્રાન્ઝિટ બસ એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી. પેન્ટાગોન ફોર્સ પ્રોટેક્શન એજન્સીના જણાવ્યા મુજબ, આ દુર્ઘટનામાં બંને બસોના મળીને કુલ 23 મુસાફરો ઘાયલ થયા છે, જેમાં 10 લોકો અમેરિકન સંરક્ષણ વિભાગ (Department of Defense) ના કર્મચારીઓ હોવાનું સામે આવ્યું છે.
ઈમરજન્સી ટીમે શરૂ કરી બચાવ કામગીરી
ઘટનાની જાણ થતાં જ ઈમરજન્સી રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. 23 માંથી 18 ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 5 લોકોને સામાન્ય ઈજા હોવાથી દુર્ઘટનાસ્થળ પર જ પ્રાથમિક સારવાર આપીને રજા આપવામાં આવી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અકસ્માતને પગલે પેન્ટાગોન સિટી તરફ જતા તમામ બસ રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.
આતંકી હુમલાના એંગલથી તપાસ શરૂ
આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, આ ઘટના અમેરિકન સંરક્ષણ મંત્રાલયની બિલકુલ નજીક બની હોવાથી અને તેમાં સંરક્ષણ કર્મચારીઓ ઘાયલ થયા હોવાથી, સુરક્ષા એજન્સીઓ અત્યંત સતર્ક બની ગઈ છે. પોલીસ અને અમેરિકન અધિકારીઓ આ ઘટના પાછળ કોઈ આતંકવાદી કાવતરું તો નથી ને, તે સહિતના તમામ એંગલથી ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક સમજૂતી: સોમવારે ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ પર થશે હસ્તાક્ષર

