સોમનાથમાં રચાશે ઈતિહાસ: ‘અમૃતપર્વ 2026’માં પહેલીવાર 90 મીટર ઊંચા શિખર પર થશે કુંભાભિષેક

Somnath Amrutparv 2026:

Somnath Amrutparv 2026: દેશના પ્રથમ જ્યોતિર્લિંગ અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક એવા ગુજરાતના સોમનાથ મહાદેવ મંદિરમાં “સોમનાથ અમૃતપર્વ-2026” ઉત્સવનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. આ મહોત્સવના પગલે સમગ્ર દેવભૂમિ પર હાલ અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પર્વ માત્ર ઉજવણી પૂરતું સીમિત નથી, પરંતુ તેના સાનિધ્યમાં સોમનાથ ક્ષેત્રમાં એક નવો ઐતિહાસિક અધ્યાય પણ રચાવા જઈ રહ્યો છે. પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર ઈતિહાસમાં પહેલીવાર 11 પવિત્ર તીર્થોના જળથી ‘કુંભાભિષેક’ કરવામાં આવશે.

Somnath Amrutparv 2026 : PM મોદી 11 મેના રોજ કરશે મહાપૂજા

“સોમનાથ અમૃતપર્વ 2026” ના આ વિશેષ અને પવિત્ર અવસરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મી મેના રોજ સોમનાથ આવી રહ્યા છે. વડાપ્રધાન સવારે સોમનાથ મહાદેવની ઐતિહાસિક મહાપૂજા કરશે. આ પૂજા દરમિયાન એક અત્યંત અલૌકિક નજારો જોવા મળશે, જેમાં મંદિરની બહાર એક અત્યાધુનિક ક્રેન મારફતે એક વિશાળ કુંભને 90 મીટરની ઊંચાઈ પર આવેલા મંદિરના મુખ્ય શિખર સુધી લઈ જવામાં આવશે.

મંત્રોચ્ચાર સાથે શિખર પર કુંભાભિષેક

આ પવિત્ર કુંભમાં દેશના 11 અલગ-અલગ તીર્થોના પવિત્ર જળ ભરવામાં આવ્યા હશે. ક્રેન દ્વારા કુંભને શિખર સુધી લઈ જવાના સમયે બ્રાહ્મણો પણ આ કુંભની સાથે જ 90 મીટરની ઊંચાઈએ જશે અને વૈદિક મંત્રોચ્ચારના ગુંજારવ સાથે શિખર પર ઐતિહાસિક જળાભિષેક (કુંભાભિષેક) સંપન્ન કરવામાં આવશે.

દક્ષિણ ભારતની પરંપરા હવે ગુજરાતમાં

આ ઐતિહાસિક ઘટના અંગે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે, પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઈતિહાસમાં આ પહેલીવાર બની રહ્યું છે કે જ્યારે ખુદ શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “સામાન્ય રીતે શિખર પર અભિષેક કરવાની આ પરંપરા દેશના દક્ષિણના રાજ્યોમાં વધુ જોવા મળે છે. દક્ષિણ ભારતમાં મોટે ભાગે દર 10 થી 12 વર્ષે મંદિરના શિખર પર અભિષેક કરીને મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. પરંતુ સોમનાથ દાદાના મંદિરમાં આવું પ્રથમવાર થઈ રહ્યું છે.”

આ પણ વાંચો: ગુજરાત રચશે ઈતિહાસ, હવે સિંહ-વાઘ-દીપડા સાથે ચિત્તાનું પણ થશે આગમન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *