Ahmedabad Family Hostage Dubai :શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતા એક મધ્યમવર્ગીય પરિવાર માટે વિદેશ જવાનું સપનું આશીર્વાદને બદલે અભિશાપ સાબિત થયું છે. ગોમતીપુરના તિલક મેદાન પાસે આવેલી પરિવાર સોસાયટીમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોને લંડન મોકલવાની લાલચ આપી દુબઈમાં બંધક બનાવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. હાલ આ પરિવારના ચારેય સભ્યો કિડનેપર્સના કબજામાં હોવાનું જાણવા મળ્યું છે.
Ahmedabad Family Hostage Dubai શ્રીલંકાથી દુબઈ અને પછી સંપર્ક તૂટ્યો
ભોગ બનનાર શ્રેયા હેમેકરના જણાવ્યા અનુસાર, તેમના માતા-પિતા અને બે ભાઈઓ લંડન જવા માટે એજન્ટના સંપર્કથી રવાના થયા હતા. શરૂઆતમાં તેમનું લોકેશન શ્રીલંકા મળ્યું હતું અને ત્યારબાદ તેઓ દુબઈ પહોંચ્યા હતા. જોકે, દુબઈ પહોંચ્યા બાદ ચારેય સભ્યોનો પરિવાર સાથેનો સંપર્ક અચાનક તૂટી ગયો હતો. શ્રેયાબેને આક્ષેપ કર્યો છે કે, બાબા ખાન નામના શખ્સે તેમના પરિવારનું અપહરણ કરીને કોઈ અજાણી જગ્યાએ કેદ કરી રાખ્યા છે.
મોટી રકમની ખંડણીની માંગ (Ransom Demand)
કિડનેપર્સ હવે પરિવારને મુક્ત કરવાના બદલામાં મોટી રકમની ખંડણીની માંગણી કરી રહ્યા છે. ખંડણી ન મળે ત્યાં સુધી પરિવારને છોડવા માટે તેઓ તૈયાર નથી, જેના કારણે અમદાવાદમાં રહેતી પુત્રી અને અન્ય સંબંધીઓ ઘેરા આઘાતમાં સરી પડ્યા છે. ગેરકાયદેસર રીતે વિદેશ મોકલતા એજન્ટોના જાળમાં ફસાઈને આ પરિવાર હવે આંતરરાષ્ટ્રીય ગુનાખોરીનો શિકાર બન્યો છે.
પોલીસ તપાસ અને સરકાર પાસે ન્યાયની ગુહાર
આ મામલે શ્રેયાબેને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે અપહરણ અને ખંડણીનો ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ તેજ કરી છે. ભારતીય એજન્સીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે તાર જોડી રહી છે જેથી દુબઈમાં ફસાયેલા નિર્દોષ નાગરિકોને છોડાવી શકાય. પીડિત પરિવારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે તેમના વૃદ્ધ માતા-પિતા અને ભાઈઓને વહેલી તકે હેમખેમ ભારત પરત લાવવમાં આવે.

