Mahemdavad Muharram : ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરમાં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબના નવાસા હઝરત ઇમામ હુસૈન અને તેમના ૭૨ વફાદાર સાથીઓની શહાદતની યાદમાં મનાવવામાં આવતો મહોરમ (આશૂરા) નો પર્વ અત્યંત શાંતિપૂર્ણ અને ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો. ઇસ્લામની રક્ષા કાજે કરબલાના મેદાનમાં વહોરેલી અદમ્ય શહાદતને યાદ કરીને સમગ્ર મુસ્લિમ બિરાદરો દ્વારા માતમનો આ પર્વ ભારે અકીદત (શ્રદ્ધા) સાથે મનાવવામાં આવ્યો હતો.

Mahemdavad Muharram વિવિધ વિસ્તારોમાંથી નીકળ્યા કલાત્મક તાજિયા
મહોરમના આ પવિત્ર અને શોકગ્રસ્ત દિવસે મહેમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી આકર્ષક અને કલાત્મક તાજિયાના ઝુલુસ કાઢવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના મોટા મહોલ્લા, મલેકવાડો, માલવાફળી અને ઢાંકણીવાડ સહિતના વિસ્તારોમાંથી શાનદાર તાજિયા કાઢવામાં આવ્યા હતા. આ તાજિયાના ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. “યા હુસૈન, યા હુસૈન” ના નારાઓ સાથે આબાલ-વૃદ્ધ સૌ કોઈએ કરબલાના શહીદોને ભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

શરબતનું વિતરણ (Niyaz and Sharbat Distribution)
ઇતિહાસ સાક્ષી છે કે હઝરત ઇમામ હુસૈન અને તેમના ૭૨ સાથીઓ કરબલાના મેદાનમાં ભૂખ્યા અને તરસ્યા શહીદ થયા હતા. તેમની આ મહાન કુરબાનીની યાદમાં મહેમદાવાદ શહેરમાં ઠેર-ઠેર છબીલ (પરબ) નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઝુલુસના માર્ગો પર અને શહેરના વિવિધ વિસ્તારોમાં સેવાભાવી લોકો દ્વારા શ્રદ્ધાળુઓને દૂધ, કોલ્ડ્રિંક્સ, વિવિધ પ્રકારના શરબત અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પર્વની પૂર્ણાહુતિ
કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને તહેવાર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે મહેમદાવાદ પોલીસ તંત્ર દ્વારા અગાઉથી જ તાજિયાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હિન્દુ-મુસ્લિમ ભાઈચારા અને વહીવટીતંત્રના સંપૂર્ણ સહયોગથી મહેમદાવાદમાં મહોરમનો આ શોક અને શહાદતનો પર્વ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. આ પર્વમાં મહેમદાવાદના કાઉન્સિલર એજાજ પઠાણે ખાસ જહેમત ઉઠાવી હતી.

પીઆઇનું ફુલહારથી કરાયું સન્માન
નોંધનીય છે કે મહેમદાવાદમાં મહોરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી નિમિત્તે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા મહેમદાવાદ પોલીસ સ્ટેશનના અધિકારીઓનું ફૂલહાર પહેરાવીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા આપવામાં આવેલા ઉત્કૃષ્ટ સાથ-સહકાર અને ખડે પગે (રાઉન્ડ ધ ક્લોક) કરાયેલા ચુસ્ત બંદોબસ્તની કદર રૂપે આ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે કરીમભાઈ મલેક, શૌકતઅલી સૈયદ, ગુલાબખાન પઠાણ ,આરીફ સૈયદ સહિતના મુસ્લિમ સમાજના અનેક અગ્રણીઓએ ભેગા મળીને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) રાઠોડ સાહેબ, તેમજ અન્ય પોલીસ સ્ટાફને પુષ્પહાર અર્પણ કરી તેમની ફરજનિષ્ઠાને બિરદાવી હતી. આ સન્માન સમારોહ સ્થાનિક પોલીસ અને નાગરિકો વચ્ચેના અતૂટ વિશ્વાસ તેમજ શહેરમાં પ્રવર્તતી સુંદર કોમી એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
અહેવાલ: સમીર મલેક
આ પણ વાંચો: UPI Fraud Rules: બેંકમાંથી અચાનક પૈસા ઉપડી ગયા? ગભરાશો નહીં, RBI નો આ નિયમ બચાવશે તમારા રૂપિયા

