Kapadvanj Firecracker Factory Blast : ગુજરાતના ખેડા જિલ્લામાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ખેડાના કપડવંજમાં આવેલી એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક ભયંકર વિસ્ફોટ (બ્લાસ્ટ) થયો છે. આ ગોઝારી ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા અંદાજે 6 જેટલા લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
Kapadvanj Firecracker Factory Blast : ધડાકો એટલો પ્રચંડ હતો કે દૂર સુધી અવાજ સંભળાયો
મળતી માહિતી અનુસાર, કપડવંજમાં કાર્યરત આ ફટાકડાની ફેક્ટરીમાં અગમ્ય કારણોસર અચાનક આગ લાગી હતી અને ત્યારબાદ એક મોટો ધડાકો થયો હતો. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ આસપાસના વિસ્તારોમાં દૂર સુધી સંભળાયો હતો. ધડાકાના અવાજથી આસપાસના લોકોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.
6 ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
આ દુર્ઘટના સમયે ફેક્ટરીમાં કામદારો હાજર હતા. આગ અને બ્લાસ્ટની ચપેટમાં આવવાથી 6 જેટલા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહત કર્મીઓ દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કેટલાકની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે
બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સાથે જ સ્થાનિક પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. હાલ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને આ ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલતી હતી કે કેમ? તેમજ આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું? તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: આણંદમાં ‘સર્વધર્મ સદ્ભાવના’ અને વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન,RSS નેતા ખાસ રહેશે ઉપસ્થિત

