UAPA : ભારત સરકાર દ્વારા આતંકવાદ સામે ચાલી રહેલી લડાઈમાં એક વધુ કડક પગલું ભરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાનમાં બેસીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચતા ૨૩ વ્યક્તિઓને ‘આતંકવાદી’ જાહેર કર્યા છે. આ કાર્યવાહી ‘ગેરકાનૂની ગતિવિધિઓ રોકથામ અધિનિયમ’ (UAPA) હેઠળ કરવામાં આવી છે.
UAPA : 0આતંકવાદી મોડ્યુલ અને ષડયંત્રનો પર્દાફાશ
સરકારના આદેશ અનુસાર, આ આતંકવાદીઓ મુખ્યત્વે ‘જૈશ-એ-મોહમ્મદ’ (JeM) અને ‘લશ્કર-એ-તૈયબા’ (LeT) જેવા પ્રતિબંધિત સંગઠનો સાથે સંકળાયેલા છે. આ લોકો પર જમ્મુ-કાશ્મીરમાં યુવાનોને આતંકવાદ તરફ વાળવા, ઘૂસણખોરી કરાવવી, ડ્રોન દ્વારા હથિયારો પહોંચાડવા અને ભારતીય સુરક્ષા દળો પરના હુમલાઓનું કાવતરું રચવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે, આ યાદીમાં સામેલ ઘણા આતંકીઓ ૨૦૧૬ના નગરોટા હુમલા અને ૨૦૧૮ના સુંજવાન મિલિટરી સ્ટેશન પરના હુમલામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યા છે.
મુખ્ય આતંકવાદીઓ અને તેમની ભૂમિકા
ગૃહ મંત્રાલયના નોટિફિકેશન મુજબ, લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદના ત્રણ અત્યંત નજીકના સાથીઓ — અબ્દુલ રઉફ, હાફિઝ ખાલિદ વલીદ અને રાણા ઇફ્તિખાર — આ યાદીમાં સામેલ છે. અબ્દુલ રઉફ ફંડ ભેગું કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓના આયોજનમાં સક્રિય છે, જ્યારે હાફિઝ ખાલિદ વલીદ અનેક આતંકી ઘટનાઓનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે.
NIA ને મળશે વધુ સત્તા
વ્યક્તિગત આતંકવાદીઓની આ યાદીમાં સમાવેશ થવાથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ને વધુ પાવરફુલ બનવાની તક મળશે. હવે એજન્સી આ આતંકવાદીઓના આર્થિક સ્ત્રોતો પર પ્રતિબંધ લગાવી શકશે, હથિયારોની ખરીદ-વેચાણ રોકી શકશે અને તેમની મિલકતો જપ્ત કરી શકશે. વર્ષ ૨૦૧૯માં UAPA કાયદામાં થયેલા સુધારા બાદ હવે સરકાર માત્ર સંગઠનોને જ નહીં, પરંતુ વ્યક્તિગત આતંકવાદીઓને પણ યાદીમાં સામેલ કરી શકે છે.
આ સાથે જ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી આતંકવાદીઓની કુલ સંખ્યા હવે ૮૦ પર પહોંચી છે. આ પગલું પાકિસ્તાનની જમીન પરથી ફેલાતા આતંકવાદ સામે ભારતની મક્કમ નીતિનું પરિણામ છે.
આ પણ વાંચો: વારાણસી: વિશ્વનાથ મંદિર પરિસરમાં અચાનક ફાયરિંગ,3 ઇજાગ્રસ્ત

