Heavy rain in Gujarat update : ગુજરાતમાં હાલમાં એકસાથે પાંચ જેટલી વરસાદી સિસ્ટમો સક્રિય થતાં મેઘરાજાએ રાજ્યભરમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૨૫ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
Heavy rain in Gujarat update : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ
સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરના અહેવાલ મુજબ, જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ સૌથી વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. માંગરોળમાં ૨૨.૨૪ ઇંચ, માળિયા હાટીનામાં ૧૪.૦૯ ઇંચ, તેમજ કેશોદ અને મેંદરડામાં ૧૨ થી ૧૩ ઇંચ સુધીનો વરસાદ ખાબકતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઈ અને સુબિર તાલુકામાં પણ ૧૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લામાં કુલ ૬૦ ઇંચથી વધુ વરસાદ પડતાં અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
વરસાદના આંકડાકીય અહેવાલ
છેલ્લા ૨૪ કલાકમાં વરસેલા વરસાદની વિગતો જોઈએ તો, ૧ તાલુકામાં ૨૨ ઇંચથી વધુ, ૪ તાલુકામાં ૧૩ ઇંચથી વધુ, ૨ તાલુકામાં ૧૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, અનેક વિસ્તારોમાં ૩ થી ૯ ઇંચ સુધીનો વરસાદ પડતા નદી-નાળા છલકાઈ ગયા છે. ચીખલી, વાંસદા, ડોલવણ અને વ્યારા જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ સતત વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની છે.
હવામાન વિભાગની આગામી આગાહી
હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી છે. ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી માટે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, ભરૂચ, વડોદરા અને નર્મદા સહિતના જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, રાજકોટ અને મહીસાગર જેવા વિસ્તારોમાં ‘યલો એલર્ટ’ હેઠળ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
તંત્ર દ્વારા તમામ જિલ્લા વહીવટી તંત્રને સાવધ રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોનું સ્થળાંતર કરવાની તૈયારી રાખવા આદેશ આપવામાં આવ્યા છે. નાગરિકોને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા અને સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘતાંડવ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં તોફાની વરસાદ

