Global Passport Index તાજેતરના ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ ૨૦૨૬ ના અહેવાલ મુજબ, ભારતીય પાસપોર્ટના રેન્કિંગમાં ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે. ભારત હવે ૧૨૫માં સ્થાને આવી ગયું છે, જે ભારતીય પાસપોર્ટ ધારકો માટે વૈશ્વિક મુસાફરીમાં વધતા પડકારો દર્શાવે છે.
Global Passport Index : ભારતની સ્થિતિ અને મુસાફરીની સુવિધા
વર્ષ ૨૦૨૫માં ભારત ૧૨૪માં ક્રમે હતું, જે હવે ઘટીને ૧૨૫માં સ્થાને પહોંચ્યું છે. ભારતીય નાગરિકો હાલમાં માત્ર ૨૬ દેશોમાં વિઝા-ફ્રી અથવા વિઝા-ઓન-અરાઇવલની સુવિધા સાથે મુસાફરી કરી શકે છે. જેમાં ભૂટાન, નેપાળ, જમૈકા, મકાઉ, પેલેસ્ટાઇન, ટ્યુનિશિયા, અંગોલા અને બાર્બાડોસ જેવા દેશોનો સમાવેશ થાય છે. બીજી તરફ, યુએસ, યુકે, જર્મની અને ચીન જેવા આશરે ૮૮ દેશોમાં મુસાફરી કરવા માટે ભારતીય નાગરિકોએ અગાઉથી વિઝા લેવા પડે છે.
વૈશ્વિક પરિદ્રશ્ય અને પડોશી દેશો
વૈશ્વિક સ્તરે યુરોપિયન રાષ્ટ્રોએ પાસપોર્ટ પાવર રેન્કિંગમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. રસપ્રદ વાત એ છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ અને ફ્રાન્સ બંને ૧૧માં સ્થાને છે. જો પડોશી દેશો સાથે સરખામણી કરવામાં આવે, તો ભારતની સ્થિતિ બાંગ્લાદેશ (૧૬૬), નેપાળ (૧૬૪) અને પાકિસ્તાન (૧૮૮) કરતા ઘણી સારી છે. ચીન ૧૦૪માં ક્રમે હોવાથી ભારત કરતા આગળ છે.
ટોપ ટેન દેશોની યાદી
વૈશ્વિક પાસપોર્ટ ઇન્ડેક્સમાં ટોચના ૧૦ દેશોમાં મુખ્યત્વે યુરોપિયન રાષ્ટ્રો અને સિંગાપોરનો સમાવેશ થાય છે: ૧. સ્વીડન, ૨. સ્વિટ્ઝર્લૅન્ડ, ૩. ફિનલેન્ડ, ૪. જર્મની, ૫. ડેનમાર્ક, ૬. નેધરલેન્ડ, ૭. આયર્લેન્ડ, ૮. યુનાઇટેડ કિંગડમ, ૯. નોર્વે, ૧૦. સિંગાપોર.
આ પણ વાંચો: અલી ખામેનીની અંતિમ વિદાય દરમિયાન ઈરાન કેમ ખોદી રહ્યું છે હજારો કબર? જાણો શું છે તૈયારી

