Ahmedabad Serial Blast Case Verdict : અમદાવાદ: ૨૦૦૮ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ (Ahmedabad Serial Blast) કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત મહત્વનો ચુકાદો આપતા અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાને યથાવત રાખી છે. દેશના ઇતિહાસમાં પ્રથમવાર એકસાથે ૩૮ આરોપીઓને ફાંસી (Death Sentence) અને ૧૧ આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ (Life Imprisonment) ફટકારવાના નીચલી કોર્ટના નિર્ણયને હાઇકોર્ટે માન્ય રાખ્યો છે. ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે કરેલી અરજી અને આરોપીઓની અપીલ પર આ ચુકાદો આપવામાં આવ્યો છે.
Ahmedabad Serial Blast Case Verdict : ભયાનક ઘટના અને ન્યાયિક પ્રક્રિયા
તારીખ ૨૬ જુલાઈ, ૨૦૦૮ના રોજ અમદાવાદ શહેરના ૨૦ વિવિધ સ્થળોએ ૨૧ સિરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ આતંકવાદી ઘટનામાં ૫૬ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૨૦૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કેસમાં કુલ ૭૮ આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી. ફેબ્રુઆરી ૨૦૨૨માં સેશન્સ કોર્ટે ૪૯ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને ૨૯ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે, જે દિવસે સેશન્સ કોર્ટે સજા સંભળાવી હતી તે મંગળવાર હતો અને આજે હાઇકોર્ટે પણ મંગળવારે જ આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
કડક સુરક્ષા વ્યવસ્થા
હાઇકોર્ટે આપેલા આ ચુકાદાને પગલે કોર્ટ પરિસરમાં સુરક્ષાનું લોખંડી કવચ ગોઠવી દેવામાં આવ્યું હતું. ૧૨૦ પોલીસ જવાનો અને SRP ની ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS) દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી અને દરેક મુલાકાતીને બેગ સ્કેનિંગ પછી જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આતંકી તાલીમ અને કાવતરું
તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીઓએ હાલોલ અને કેરળના કેમ્પમાં આતંકવાદી તાલીમ લીધી હતી. આ કાવતરામાં SIMI (Students Islamic Movement of India) ના કાર્યકરોની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું, જે સંગઠન પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કેસમાં કુલ ૯૯ આતંકવાદીઓને પ્રાથમિક તપાસમાં આરોપી ગણવામાં આવ્યા હતા, જેમાંથી ૮૨ આતંકવાદીઓની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. અમદાવાદમાં ૨૦ અને સુરતમાં ૧૫ FIR નોંધવામાં આવી હતી. ૧૩ વર્ષની લાંબી કાયદાકીય લડાઈ બાદ મળેલો આ ચુકાદો પીડિત પરિવારો માટે ન્યાયની મોટી જીત સમાન છે.
આ પણ વાંચો: નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો: કાયદાકીય અવરોધો દૂર, હવે ગમે ત્યારે થઈ શકે છે ભારત વાપસી

