રામ મંદિર દાન વિવાદ: ચંપત રાયે તોડ્યું મૌન, બેંક પર લગાવ્યા ગંભીર આક્ષેપ!

Champat Rai Ram Mandir : અયોધ્યાના રામ મંદિરમાં દાનની રકમની ચોરી અને ગેરરીતિઓના આક્ષેપોથી ઘેરાયેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પત્ર પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. આ સાથે તેમણે રામચરિતમાનસની ચોપાઈ ટાંકીને કહ્યું છે કે, “ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપદ કાલ પરિખિઅહિં ચારી.” આ પંક્તિઓ દ્વારા તેમણે સંકેત આપ્યો છે કે આ મુશ્કેલ સમયમાં તેઓ ધીરજ રાખી રહ્યા છે.

Champat Rai Ram Mandir : આક્ષેપો પર મૌન અને સત્યની સ્પષ્ટતા

ચંપત રાયે પત્રમાં લખ્યું છે કે, “ગત ૭ જૂન ૨૦૨૬થી મંદિર પરિસરના દાનપાત્રની ગણતરી સમયે થયેલી ચોરીના મામલે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. મારા પર વ્યક્તિગત રીતે અનેક અનર્ગળ આરોપો લગાવવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધી મેં મૌન ધારણ કર્યું હતું.” તેમણે ઉમેર્યું કે ૬ જુલાઈએ મળેલી ટ્રસ્ટની બેઠકમાં SIT નો જે પ્રારંભિક રિપોર્ટ રજૂ થયો તે ‘પરમ ગોપનીય’ હતો, છતાં તે હવે સાર્વજનિક થઈ ગયો છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે SIT નો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ તેઓ દરેક મુદ્દાનો ક્રમવાર જવાબ આપશે અને સમગ્ર સત્ય બહાર આવશે. પોતાના ૪૫ વર્ષના પ્રચારક જીવનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, “મારું જીવન એક ‘ખુલ્લી કિતાબ’ સમાન છે.”

SIT ને લખેલા પત્રમાં બેંકની ભૂમિકા પર સવાલો

ચંપત રાયે SIT ને પણ એક પત્ર લખીને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, ૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ ગણતરી પ્રક્રિયા માટે જે દિશાનિર્દેશો (SOP) જાહેર કરવામાં આવ્યા હતા, તેની સાથે તેઓ સહમત નથી અને તેને નકારે છે. તેમણે આક્ષેપ કર્યો કે આ પત્રની જાણકારી તેમને ૧૩ જૂન ૨૦૨૬ના રોજ મળી હતી અને તેના પર તેમના હસ્તાક્ષર પણ નથી.

તેમણે ઉઠાવેલા મુખ્ય મુદ્દાઓ:

  • બેંકના નિયમોમાં ઢીલ: ટ્રસ્ટ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) વચ્ચે થયેલા MOU મુજબ સુરક્ષાના કડક ઉપાયો કરવાના હતા, પરંતુ તેનું પાલન થયું નથી.

  • ગણતરી પદ્ધતિ: બેંકની સલાહ પર ટેબલ-ખુરશી પર બેસીને ગણતરી કરવાનો નિર્ણય લેવાયો હતો, જે ચોરી કરવામાં સહાયક સાબિત થયો. હવે જમીન પર બેસીને ગણતરી થાય છે.

  • સુરક્ષા ખામી: ગણતરી માટે પસંદ કરાયેલા કર્મચારીઓ ‘હાઉસકીપિંગ સ્ટાફ’ હતા અને તેમને વિશેષ તલાશી વગર અંદર જવા દેવામાં આવતા હતા, જે બેંકની મોટી બેદરકારી છે.

ચંપત રાયે આશા વ્યક્ત કરી છે કે તપાસમાં બેંકના વરિષ્ઠ અધિકારીઓની ભૂમિકા અને નિયમોના ઉલ્લંઘનની સંપૂર્ણ વિગતો સામે આવશે.

આ પણ વાંચો:  અયોધ્યા રામ મંદિર: દાનમાં મળેલી કિંમતી વસ્તુઓની ચોરીના આરોપોને ટ્રસ્ટે ફગાવ્યા, તમામ વસ્તુઓ સુરક્ષિત હોવાનો દાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *