First Hydrogen Train India : ભારતીય રેલવે માટે આજે ૧૭ જુલાઈ, ૨૦૨૬નો દિવસ ઐતિહાસિક બની રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના જીંદમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં દેશની પ્રથમ અને સંપૂર્ણપણે ‘મેક ઇન ઇન્ડિયા’ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આ ટ્રેન જીંદ અને સોનીપત વચ્ચે દોડશે, જે દેશમાં ગ્રીન એનર્જીથી ચાલતી ટ્રેનોના નવા અધ્યાયની શરૂઆત છે.
First Hydrogen Train India : શું છે આ ટ્રેનની ખાસિયત?
આ ટ્રેન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પર કાર્યરત છે, જે હાઇડ્રોજન અને વાતાવરણમાં રહેલી ઓક્સિજનની રાસાયણિક પ્રક્રિયા દ્વારા વીજળી ઉત્પન્ન કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના ઝેરી ઉત્સર્જનને બદલે માત્ર પાણીની વરાળ અને ગરમી જ ઉત્પન્ન થાય છે, જે તેને ‘ઝીરો પોલ્યુશન’ ટ્રેન બનાવે છે. તેને ચલાવવા માટે ડીઝલ, કોલસા કે ઇલેક્ટ્રિક ઓવરહેડ લાઇનના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડતી નથી.
૧૦ કોચની ક્ષમતા અને ૧૧૦ કિમીની ગતિ
ભારતીય રેલવેની આ સિદ્ધિ દુનિયા માટે પણ એક આદર્શ છે, કારણ કે વિશ્વમાં અત્યાર સુધી મોટાભાગની હાઇડ્રોજન ટ્રેનો માત્ર ૨ કે ૩ કોચની છે, જ્યારે ભારતની આ ટ્રેન ૧૦ કોચની છે. તેમાં એકસાથે ૨,૬૦૦ મુસાફરો મુસાફરી કરી શકે છે. ટ્રેનમાં બે હાઇડ્રોજન ડ્રાઇવિંગ પાવર કાર (DPC) છે, જે કુલ ૩,૨૦૦ હોર્સપાવરની ક્ષમતા સાથે ટ્રેનને ૧૧૦ કિમી પ્રતિ કલાકની મહત્તમ ગતિ આપે છે. હાલ જીંદ-સોનીપત રૂટ પર તે ૭૫ કિમીની ઝડપે દોડશે.
સુરક્ષા અને રિફ્યુલિંગ સ્ટેશન
જીંદમાં ભારતનું સૌથી મોટું રેલવે હાઇડ્રોજન રિફ્યુલિંગ સ્ટેશન પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેની ક્ષમતા ૩,૦૦૦ કિલોગ્રામ હાઇડ્રોજન સંગ્રહવાની છે. સુરક્ષા માટે આ ટ્રેનમાં ‘મલ્ટી-લેયર સેફ્ટી સિસ્ટમ’ લગાવવામાં આવી છે, જે લીકેજ કે આગ જેવી સ્થિતિમાં તરત જ સક્રિય થઈને હાઇડ્રોજન સપ્લાય બંધ કરી દેશે. આ પ્રોજેક્ટનું સુરક્ષા વિશ્લેષણ જર્મનીની પ્રતિષ્ઠિત સંસ્થા TÜV SÜD દ્વારા પણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ઈસરોના વૈજ્ઞાનિકોના રાજીનામા બાદ સરકારે લીધો મોટો નિર્ણય,કડક નિયમના આપ્યા નિર્દેશ!

