Bhiwandi Building Collapse..મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં એક અત્યંત કરૂણ અને ગમખ્વાર ઘટના સામે આવી છે. બાલાજી નગર વિસ્તારમાં આવેલી ચાર માળની જર્જરિત ‘કોહિનૂર બિલ્ડિંગ’ ગુરુવારે મોડી રાત્રે અચાનક ધરાશાયી થતા આખો વિસ્તાર હચમચી ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે, જ્યારે કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકાને પગલે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
Bhiwandi Building Collapseશું બની હતી ઘટના?
ગુરુવારે મોડી રાત્રે આશરે ૧૧.૨૦ વાગ્યાના સુમારે આ બિલ્ડિંગની ‘બી વિંગ’નો મોટો હિસ્સો પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો હતો. ઠાણે મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઈમારતમાં કુલ ૪૮ રૂમ હતા, જેમાં દરેક માળે ૧૨ રૂમ આવેલા હતા. દુર્ઘટના સર્જાઈ તે સમયે બિલ્ડિંગમાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું, જે તપાસનો વિષય બન્યો છે.
સ્થાનિકોની સતર્કતાથી અનેક જીવ બચ્યા
દુર્ઘટનાના સંકેતો રાત્રે ૮ થી ૯ વાગ્યાની વચ્ચે જ મળવા લાગ્યા હતા. ઈમારતમાંથી તિરાડો પડવાના અને અવાજ આવવાના શરૂ થતા સ્થાનિક રહીશોએ તાત્કાલિક સાવધ થઈને અનેક પરિવારોને ઈમારતમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે, ગણતરીની ક્ષણોમાં જ બિલ્ડિંગનો એક મોટો હિસ્સો તૂટી પડતા, જે લોકો બહાર નીકળી શક્યા નહોતા તેઓ કાટમાળમાં દબાઈ ગયા હતા.
તંત્રની ચેતવણી છતાં સમારકામ ચાલુ હતું
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકા દ્વારા આ ઈમારતને અગાઉથી જ ‘જર્જરિત અને જોખમી’ જાહેર કરવામાં આવી હતી. આમ છતાં, આટલી જોખમી ઈમારતમાં સમારકામનું કામ કેવી રીતે ચાલી રહ્યું હતું અને તેમાં લોકો કેમ વસવાટ કરતા હતા, તેવા ગંભીર સવાલો ઊભા થયા છે. હાલમાં એનડીઆરએફ (NDRF), ફાયર બ્રિગેડ અને સ્થાનિક પ્રશાસનની ટીમો કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટેના અથાગ પ્રયાસો કરી રહી છે.

