Ahmedabad Schools Bomb Threat: અમદાવાદની જાણીતી શાળાઓ અને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર અને ખળભળાટ મચી ગયો છે. સેટેલાઈટ સ્થિત નારાયણ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યા ભારતી સ્કૂલ તેમજ સી.એન. વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. આ સિવાય વિશ્વ પ્રસિદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. આ ગંભીર ધમકીના સમાચાર મળતા જ ચિંતાતુર બનેલા વાલીઓ તાબડતોબ પોતાના બાળકોને સુરક્ષિત ઘરે લઈ જવા માટે શાળાઓ પર પહોંચી ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસની ટીમો અને બોમ્બ સ્કવોડ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સઘન તપાસ શરૂ કરી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, આ જ મહિને અગાઉ 7 ઓક્ટોબરના રોજ પણ અમદાવાદની 10 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. તે સમયે પણ સ્કૂલો દ્વારા વાલીઓને જાણ કરીને બાળકોને વહેલા રવાના કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એશિયા સ્કૂલ, બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, SGVP સ્કૂલ, ઝાયડસ સ્કૂલ અને સંત કબીર સ્કૂલને પણ અગાઉ આવા મેઈલ મળ્યા હતા.
Ahmedabad Schools Bomb Threat BDDS ટીમ દ્વારા સઘન તપાસ
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ, સ્થાનિક પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (BDDS) ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. શાળાઓ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરિસરમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી છે કે નહીં તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જોકે, સુરક્ષા એજન્સીઓની તપાસમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ કે વિસ્ફોટક વસ્તુ મળી આવી નથી. જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા શાળાઓને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અને પરિસરમાં પેનિક ન ફેલાય તે રીતે વિદ્યાર્થીઓને વ્યવસ્થિત રીતે ઘરે રવાના કરવા સૂચના આપવામાં આવી છે. પોલીસ આ ધમકીભર્યા મેઈલ મોકલનાર અસામાજિક તત્વોને શોધવા માટે સાયબર ક્રાઇમની મદદથી તપાસ ચલાવી રહી છે.

