Anand Diwali Vendors : દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આણંદ શહેરના સ્ટેશન વિસ્તાર સહિત ટૂંકી ગલીમાં વેપારીઓની ચહલપહલ ખૂબ જ વધી ગઈ છે. જોકે, તહેવારની આ મોસમમાં મનપાની જગ્યાઓ પર તંબુ બાંધીને ધંધો કરતા વેપારીઓ તેમજ ટૂંકી ગલીના નાના વેપારીઓ પાસેથી ભાડાની વસૂલાત થઈ રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. મળતી વિગતો અનુસાર, સ્ટેશન વિસ્તારમાં મનપાની જગ્યાઓ પર દસ દિવસ માટે તંબુ ઊભા કરીને વ્યવસાય કરતા વેપારીઓ પાસેથી ₹3,200થી લઈને ₹3,750 સુધીનું ભાડું વસૂલવામાં આવતું હોવાની ચર્ચા છે. આ ઉપરાંત, ટૂંકી ગલીના નાના વેપારીઓ પાસેથી દરરોજ ₹200થી ₹500 સુધીની રકમ વસૂલવાની તૈયારી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.
દિવાળીના બજારમાં નાના વેપારીઓ હંગામી દુકાનો અને સ્ટોલ ઊભા કરીને વ્યવસાય કરતા હોય છે, ત્યારે આ સમયગાળામાં તેમને યોગ્ય જગ્યા મળવી અનિવાર્ય છે. જો ભાડા અને અન્ય ચાર્જની વસૂલાતમાં પારદર્શિતા ન હોય તો નાના વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ વસૂલાત કયા નિયમો અને વ્યવસ્થા હેઠળ કરવામાં આવી રહી છે તે અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે.
Anand Diwali Vendors : વેન્ડિંગ માર્કેટ બનાવવાની યોજના અને પારદર્શિતાની માંગ
આણંદ શહેરમાં નાના વેપારીઓને વ્યવસ્થિત જગ્યા મળી રહે તે માટે વેન્ડિંગ માર્કેટ બનાવવાની યોજના અંગે અગાઉ ઠરાવ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ પણ સામે આવ્યો છે. જો આ યોજના સમયસર અમલમાં આવે તો નાના વેપારીઓને વ્યવસ્થિત જગ્યા મળવાની સાથે અનધિકૃત વસૂલાત અંગેની ફરિયાદોમાં પણ ઘટાડો થઈ શકે છે. વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતી રકમ અંગે સ્પષ્ટ નિયમો અને સત્તાવાર વ્યવસ્થા જાહેર કરવાની માંગ ઊઠી રહી છે, ત્યારે હવે મહાનગરપાલિકા તંત્ર આ મામલે શું પગલાં લે છે તે જોવું રહ્યું.

