Russia Drone Attack Dnipro રશિયાએ યુક્રેનના નીપ્રો શહેરમાં મોટો ડ્રોન એટેક કર્યો છે, જેમાં ૧૩ લોકોના મોત થયા છે, જ્યારે ૧૦ થી વધુ લોકો ઘાયલ છે. આ હુમલા પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે નીપ્રોના રેલવે સ્ટેશન પર રશિયાનો આ એક ભયાનક હુમલો છે. રશિયનોએ એ પ્લેટફોર્મ પર ડ્રોનથી હુમલો કર્યો, જ્યાં એક સામાન્ય લોકલ ટ્રેન અને એક નિયમિત પેસેન્જર ટ્રેન ઊભી હતી.
તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે અત્યાર સુધી ૧૩ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે. હું તેમના પરિવારો અને સ્વજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. દસ અન્ય લોકો ઘાયલ થયા છે અને તમામ જરૂરી ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે.
Russia Drone Attack Dnipro Ukraine: રશિયા પર કડક પ્રતિબંધોની માગ
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, રશિયાએ તણાવ ઓછો કરવાના બદલે, કેટલાક રશિયન ઉદ્યોગપતિઓ અને રશિયન ઊર્જા ક્ષેત્ર પરથી પ્રતિબંધો હટાવ્યા પછીથી આપણા લોકો પર કેટલા આતંકવાદી હુમલા કર્યા છે? આ જ કારણ છે કે યુક્રેન હંમેશા કહેતું આવ્યું છે કે રશિયાની આક્રમકતાના જવાબમાં અમેરિકા અને યુરોપે યોગ્ય અને નિર્ણાયક પગલાં ભરવા જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે, જ્યાં સુધી આ રશિયન યુદ્ધ ચાલુ રહેશે, ત્યાં સુધી મોસ્કો અને તેની યુદ્ધ મશીનરી પર લાગેલા પ્રતિબંધોમાં કોઈ ઢીલ આપવી જોઈએ નહીં. હવે સમય આવી ગયો છે કે EU, અમેરિકા અને G7 નવા અને કડક પ્રતિબંધો લાદે. જે લોકો આ મુશ્કેલ સમયમાં યુક્રેનની મદદ કરવા માટે તૈયાર છે, હું તે બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું.

