સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ત્રિ-દિવસીય રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ ‘રંગ ચરોતર’નું ભવ્ય આયોજન: 29 થી 31 ઓક્ટોબર દરમિયાન કલાકારો આપશે પ્રસ્તુતિ

SPU Rang Charotar National Theatre Festival

SPU Rang Charotar National Theatre Festival : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની વિશેષ ઉજવણી નિમિત્તે સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) દ્વારા ‘ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ્સ એસોસિએશન’ (AIAA), શિમલાના સહયોગથી ત્રિ-દિવસીય રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ ‘રંગ ચરોતર’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૨૯ થી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ઇપ્કોવાલા ઓડિટોરિયમ, એપીસી સર્કલ પાસે, આણંદ ખાતે દેશના વિવિધ રાજ્યોના પ્રતિષ્ઠિત કલાકારો દ્વારા શાનદાર નાટ્ય પ્રસ્તુતિઓ યોજાશે.

આ નાટ્ય મહોત્સવનો શુભારંભ ગુરુવાર, ૨૯ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સાંજે ૫:૩૦ કલાકે થશે. આ પ્રસંગે અધ્યક્ષસ્થાને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નિરંજનભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. સમારોહના ઉદ્ઘાટક તરીકે જાણીતા અભિનેતા અને AIAAના પ્રમુખ શ્રી રોહિતશ્ચ ગૌર (લોકપ્રિય ટીવી ધારાવાહિક ‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ – મનમોહન તિવારી) રહેશે. આ ઉપરાંત, મુખ્ય અતિથિ તરીકે વરિષ્ઠ નાટ્યકાર ડૉ. મહેશ ચંપકલાલ તથા વિશેષ અતિથિ તરીકે AIAAના ઉપપ્રમુખ શ્રીમતી રેખા ગૌર ઉપસ્થિત રહેશે.

SPU Rang Charotar National Theatre Festival : ત્રણ દિવસ દરમિયાન રજૂ થનાર નાટકોની યાદી

આ મહોત્સવમાં અલગ-અલગ દિવસોએ નીચે મુજબના નાટકો ભજવાશે:

  • પ્રથમ દિવસ (૨૯/૧૦/૨૦૨૬, સાંજે ૫:૩૦ વાગ્યાથી): ‘પુરુષાર્થ’ (સૈનિક મિત્ર, નવી મુંબઈ) અને ‘નિર્વાણ… ધ મુક્તિ’ (સૂત્રધાર, નાગાંવ).

  • બીજો દિવસ (૩૦/૧૦/૨૦૨૬, સાંજે ૬:૦૦ વાગ્યાથી): ‘અંત હાજિર હો’ (અનવરત થિયેટર ગ્રુપ, ઈન્દોર) અને ‘બસ્તી કી પાઠશાલા’ (સી.ઇ.એસ. પર્ફોર્મિંગ આર્ટ્સ એન્ડ ફાઇન આર્ટ્સ એકેડેમી, આણંદ).

  • ત્રીજો દિવસ (૩૧/૧૦/૨૦૨૬, સાંજે ૮:૦0 વાગ્યાથી): ‘ભોલેરામ કા જીવ’ (ફાઇન આર્ટ્સ એન્ડ કલ્ચરલ એસોસિએશન, મુંબઈ) અને ‘એક માણસ ઉર્ફે લેખક’ (જયઘોષ થિયેટર, નવસારી).

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ચરોતર પંથકના તમામ કલાપ્રેમી નાગરિકો, સાહિત્યરસિકો અને વિદ્યાર્થીઓને આ ઉત્સવમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમનું સંયોજન કુલપતિ પ્રો. નિરંજન પટેલના માર્ગદર્શન હેઠળ રજિસ્ટ્રાર ડૉ. ભાઈલાલભાઈ પટેલ તથા ફેસ્ટિવલ કો-ઓર્ડિનેટર્સ શ્રી કુમાર ભોઈ અને ડૉ. વૈભવ જોશી કરી રહ્યા છે.

અહેવાલ- અઝ્ઝુ સૈયદ

Kheda Police Transfer:ખેડા પોલીસ તંત્રમાં ધરખમ ફેરબદલ: 7 PI અને 2 PSI ની આંતરિક બદલી