Kheda Police Transfer: ખેડા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા તેમજ વહીવટી સરળતા ખાતર પોલીસ વિભાગમાં મોટો આંતરિક ફેરબદલ કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) વિજય પટેલે વહીવટી કારણોસર એક જ ઝાટકે 7 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) મળી કુલ 9 પોલીસ અધિકારીઓની તાત્કાલિક અસરથી સામૂહિક બદલીના હુકમો કર્યા છે. આ આદેશને પગલે જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.
એસપી દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ કપડવંજ ટાઉન, કપડવંજ રૂરલ, વસો, લીંબાસી, માતર અને કઠલાલ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ મથકના વડાઓની અદલાબદલી કરવામાં આવી છે. પીઆઈ આર.આર. સોલંકીને કપડવંજ ટાઉનથી કપડવંજ રૂરલ, જી.એન. પરમારને એલઆઈબીમાંથી વસો, અને એસ.એચ. ચાવડાને વસોથી કપડવંજ ટાઉન મુકાયા છે. જ્યારે વી.બી. વણને એએચટીયુમાંથી લીંબાસી, સી.એચ. પનારાને લીંબાસીથી માતર અને જે.ડી. દેવડાને માતરથી ફાગવેલ ખસેડાયા છે. મહિલા પીઆઈ બી.બી. ડાભાણીને એએચટીયુ શાખાની જવાબદારી સોંપાઈ છે.
Kheda Police Transfer: બે પીએસઆઈની પણ આંતરિક બદલી, તાત્કાલિક ચાર્જ સંભાળવા આદેશ
પોલીસ ઇન્સ્પેક્ટરો ઉપરાંત સાયબર ક્રાઇમના પીએસઆઈ એન.એમ. બારોટની આંતરસુબા અને આંતરસુબાના પીએસઆઈ એમ.એમ. દેસાઈની કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા વિજય પટેલે તમામ બદલી પામેલા અધિકારીઓને કોઈપણ જાતનો વિલંબ કર્યા વિના તાત્કાલિક પોતાના નવા નિયુક્ત સ્થળે પહોંચીને ચાર્જ સંભાળી લેવાનો સ્પષ્ટ આદેશ કર્યો છે. આગામી દિવસોમાં આવનારા તહેવારો અને ચૂંટણી સંબંધિત કાયદો-વ્યવસ્થાની સમીક્ષાને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લેવાયો છે.
આણંદ: ટૂંકી ગલીના નાના વેપારીઓ પાસેથી ઉઘરાણી કરનાર અસલી માસ્ટરમાઇન્ડ કોણ? સવાલોના ઘેરામાં તંત્ર

