અમદાવાદ શહેરના થલતેજમાં ઝાયડસ હોસ્પિટલ નજીક આવેલા મેગ્નેટ પાર્ક બિલ્ડિંગના બીજા માળે ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. જોકે, ફાયર વિભાગના જવાનોએ સમયસૂચકતા વાપરીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે અને હાલ કૂલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ જીવ બચાવવા માટે બારીમાંથી કૂદી ગયેલા બે લોકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર, થલતેજમાં સ્થિત મેગ્નેટ પાર્ક બિલ્ડિંગની ઓફિસોમાં સામાન્ય દિવસની જેમ કર્મચારીઓ નિયમિત કામકાજ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક બીજા માળેથી ધુમાડા સાથે આગની જ્વાળાઓ બહાર આવતી દેખાઈ હતી. થોડી જ વારમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા સમગ્ર ફ્લોર પર પ્રસરી જતા અંદર કામ કરતા કર્મચારીઓનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો અને ભયનો માહોલ છવાઈ ગયો હતો.
Thaltej Magnet Park Building Fire: ફાયર બ્રિગેડની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી
આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આગની આ ઘટનામાં ભયના કારણે બારીમાંથી નીચે કૂદી પડેલા બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે, જ્યારે અન્ય કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા કૂલિંગ ઓપરેશન પૂરું કરીને આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

