Gujarat High Court Passport Renewal અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ગુનાહિત કેસ પેન્ડિંગ હોવા માત્રથી આરોપીના પાસપોર્ટ રિન્યૂઅલની મુદત ત્રણ વર્ષ સુધી મર્યાદિત રાખવી જરૂરી નથી. છેતરપિંડી અને ગુનાહિત કાવતરાના સીબીઆઈ કેસનો સામનો કરી રહેલા 67 વર્ષીય આરોપીનો પાસપોર્ટ પૂરા 10 વર્ષ માટે રિન્યૂ કરવાની મંજૂરી હાઈકોર્ટે આપી છે.
આ કેસમાં અમદાવાદ (ગ્રામ્ય)ની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં આરોપી મોહમ્મદ ઈકબાલ ગનીભાઈ મેઘરેજીએ પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યૂ કરવાની મંજૂરી માગી હતી. જોકે, ટ્રાયલ કોર્ટે તેમને માત્ર ત્રણ વર્ષ માટે પાસપોર્ટ રિન્યૂ કરવાની પરવાનગી આપી હતી. આ નિર્ણયને પડકારતાં તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.
અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ 67 વર્ષના વરિષ્ઠ નાગરિક છે અને વ્યવસાયના કામકાજ માટે અવારનવાર વિદેશ જવું પડે છે. તેમના સંતાનો પણ વિદેશમાં સ્થાયી થયેલા હોવાથી લાંબી મુદતના પાસપોર્ટની જરૂરિયાત હોવાનું જણાવાયું હતું. સાથે જ અગાઉના ન્યાયિક ચુકાદાઓનો આધાર લઈને દલીલ કરવામાં આવી હતી કે કેસ પેન્ડિંગ હોવાના એકમાત્ર કારણથી પાસપોર્ટની મુદત ઘટાડવી યોગ્ય નથી.
Gujarat High Court Passport Renewal: ત્રણ વર્ષનો હુકમ બદલી 10 વર્ષની મંજૂરી
જસ્ટિસ મૂલચંદ ત્યાગીએ નોંધ્યું હતું કે સામાન્ય રીતે પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યૂ થતો હોય છે. આવી સ્થિતિમાં ટ્રાયલ કોર્ટે પણ અરજદારને 10 વર્ષની મુદત આપવી જોઈતી હતી.
સુનાવણી દરમિયાન રિજનલ પાસપોર્ટ ઑફિસરે દલીલ કરી હતી કે અરજદારે પાસપોર્ટ ઑથોરિટી સમક્ષ રિન્યૂઅલ માટે અરજી કરી નથી, તેથી હાઈકોર્ટમાં કરાયેલી અરજી વહેલી છે. જોકે, હાઈકોર્ટે આ વાંધો ફગાવી દીધો હતો. કોર્ટે નોંધ્યું કે કેસ પેન્ડિંગ હોવાથી અરજદારને પહેલાં સક્ષમ કોર્ટની મંજૂરી લેવી જરૂરી હતી.
હાઈકોર્ટે ત્રણ વર્ષની મંજૂરીનો હુકમ સુધારીને પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યૂ કરવાની પરવાનગી આપી અને પાસપોર્ટ ઑફિસને તે મુજબ કાર્યવાહી કરવા આદેશ કર્યો. જોકે, અરજદારે ભારત છોડતાં પહેલાં ટ્રાયલ કોર્ટની પૂર્વ મંજૂરી લેવી પડશે. ટ્રાયલ કોર્ટ કાયદા મુજબ જરૂરી શરતો પણ લાદી શકશે.

