Vadodara Missing Parrot નો કિસ્સો દિવાળીના પર્વ વચ્ચે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરાના સેવાસી વિસ્તારમાં રહેતાં પારેખ પરિવારનો આફ્રિકન ગ્રે પોપટ ‘લાડુ’ ચાર દિવસ પહેલાં ગુમ થઈ ગયો છે. પોપટને પોતાના દીકરાની જેમ ઉછેરનાર જેસિકા પારેખ તેની વિયોગમાં વ્યથિત છે. તેમણે લાડુની ભાળ આપનાર અથવા તેને સુરક્ષિત રીતે પરત લાવનાર વ્યક્તિને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.
સેવાસી રોડ પર આવેલા ઇસ્કોન હાઇટ્સમાં શાલિન પારેખ અને તેમનાં પત્ની જેસિકા રહે છે. જેસિકા ગયા વર્ષે જુલાઈમાં મુંબઈથી આફ્રિકન ગ્રે પોપટને ઘરે લાવ્યાં હતાં. પરિવારના સભ્યની જેમ ઉછેરવામાં આવતા આ પોપટનું નામ તેમણે ‘લાડુ’ રાખ્યું હતું.
લાડુ ગુમ થયા બાદ જેસિકા ખૂબ દુઃખી છે. પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ બરાબર જમતાં પણ નથી અને પોપટ પાછો મળી જાય તે માટે સતત અપીલ કરી રહ્યાં છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન પણ તેઓ ભાવુક થઈને રડી પડ્યાં હતાં.
Vadodara Missing Parrot: લાડુની શોધ માટે CCTV તપાસ
જેસિકા પારેખે લાડુને શોધી આપનારને ₹1 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. પરિવાર દ્વારા પોપટની શોધખોળ કરવામાં આવી રહી છે અને આસપાસના CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યાં છે. જોકે, હજુ સુધી પોપટ ક્યાં ગયો છે તેની કોઈ ચોક્કસ માહિતી મળી નથી.
પરિવાર માટે લાડુ માત્ર પાળેલું પક્ષી નથી, પરંતુ લાગણીથી જોડાયેલો સભ્ય છે. જેસિકાએ તેની સંભાળ માટે પોતાની ખાનગી શાળાની શિક્ષક તરીકેની નોકરી પણ છોડી દીધી હોવાનું જણાવાયું છે.
આફ્રિકન ગ્રે પોપટ તેની બુદ્ધિશક્તિ અને માણસોની બોલીની નકલ કરવાની ક્ષમતા માટે જાણીતો છે. આ જ ખાસિયતોને કારણે તે પાળતુ પક્ષી તરીકે લોકપ્રિય છે.
હાલ પારેખ પરિવારની એક જ આશા છે કે લાડુ સુરક્ષિત રીતે ઘરે પાછો ફરે. પરિવારે લોકોને અપીલ કરી છે કે જો કોઈને આ પોપટ વિશે માહિતી મળે તો જાણ કરીને તેને પરત લાવવામાં મદદ કરે.

