ગુજરાતમાં ખાનગી વાહનો પર જાતિસૂચક લખાણ પર પ્રતિબંધ, નિયમ તોડશો તો દંડ અને વાહન જપ્તીની કાર્યવાહી

Gujarat Vehicle Rules 2026

Gujarat Vehicle Rules 2026 હેઠળ ગુજરાત સરકારે ખાનગી વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો, ચિહ્નો, સ્ટિકર અને આકૃતિઓ પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ગુજરાત મોટર વાહન નિયમોમાં સુધારો કરીને આ નિર્ણય લીધો છે. આ નિયમ ટૂ-વ્હીલરથી લઈને થ્રી-વ્હીલર, કાર, બસ અને ટ્રક સહિત તમામ પ્રકારનાં ખાનગી વાહનોને લાગુ પડશે.

ગુજરાતના બંદરો અને વાહનવ્યવહાર વિભાગે 17 નવેમ્બર, 2026ના રોજ ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’નું જાહેરનામું બહાર પાડ્યું છે. આ સુધારા દ્વારા ગુજરાત મોટર વાહન નિયમો, 1989ના નિયમ 125(1) અને નિયમ 138માં નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે.

Gujarat Vehicle Rules 2026: વાહનો પર જાતિની ઓળખ દર્શાવવી હવે નહીં ચાલે

નવા નિયમ મુજબ વાહનોના પાછળના કાચ, નંબર પ્લેટની આસપાસ અથવા અન્ય કોઈ જગ્યાએ જાતિસૂચક શબ્દો, ચિહ્નો કે લખાણ લગાવી શકાશે નહીં. નિયમનો ભંગ કરનાર વાહનમાલિક સામે દંડની સાથે વાહન જપ્ત કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.

આ માટે અલગથી નવી જેલની સજાની જોગવાઈ કરવામાં આવી નથી. જોકે, મોટર વાહન અધિનિયમ, 1988ની હાલની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થઈ શકશે. આપવામાં આવેલી માહિતી મુજબ, કલમ 177 અથવા કલમ 179 હેઠળ નિયમભંગ કે અધિકૃત આદેશની અવગણના બદલ રૂ. 500થી રૂ. 2,000 સુધીનો દંડ થઈ શકે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં વાહનો પર પોતાની જાતિ અથવા સમુદાયની ઓળખ દર્શાવતા શબ્દો લખાવવાનો ટ્રેન્ડ વધ્યો હતો. અનેક વાહનો પર પાટીદાર, રાજપૂત, આહીર, રબારી, ઠાકોર અને ક્ષત્રિય જેવા શબ્દો જોવા મળતા હતા. આ ઉપરાંત પટેલ, દેસાઈ, જાડેજા, રાઠોડ અને ચૌધરી જેવી અટકો પણ મોટા અક્ષરોમાં લખાવવામાં આવતી હતી.

સરકારના નવા નિર્ણય બાદ વાહનમાલિકોએ આવા જાતિસૂચક લખાણ અને ચિહ્નો દૂર કરવાં પડશે.

બાળકોના આધાર કાર્ડમાં 5 અને 15 વર્ષે બાયોમેટ્રિક અપડેટ ફરજિયાત