બનાસકાંઠામાં અનાર પટેલની સલાહ: ‘પટેલો બોલવામાં બહુ કડવા છો, હવે મીઠું બોલતા શીખો’

Anar Patel Banaskantha Speech બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક ગઢ ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં અનાર પટેલે પાટીદાર સમાજને આત્મચિંતન કરવાની કડવી શીખ આપી છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી તેમજ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ અનાર પટેલે મંચ પરથી કરેલા પ્રહારોએ પાટીદાર સમાજમાં હલચલ મચાવી દીધી છે.

Anar Patel Banaskantha Speech પટેલોના સ્વભાવ પર પ્રહાર: ‘કડવાશ છોડો, મીઠું બોલો’

અનાર પટેલે સમાજની એક ઓળખ વિશે વાત કરતા કહ્યું કે, “પટેલો સ્વભાવે અને બોલવામાં બહુ કડવા હોય છે. હવે સમય બદલાયો છે, આપણે મીઠું બોલતા શીખવું પડશે. જો આપણે આપણી નવી ઓળખ ઉભી કરવી હશે અને સામાજિક એકતા મજબૂત કરવી હશે તો સ્વભાવમાં પરિવર્તન લાવવું અનિવાર્ય છે.” તેમણે ઉમેર્યું કે મીઠી વાણી જ સમાજને જોડી શકે છે.

યુવાધનની સક્ષમતા પર સવાલ: દીકરીઓ કેમ અન્ય સમાજમાં જાય છે?

સૌથી વધુ ચર્ચાયેલા મુદ્દામાં અનાર પટેલે સમાજની દીકરીઓના અન્ય સમાજમાં લગ્ન કરવા પાછળનું કારણ સમજાવ્યું હતું. તેમણે કહ્યું:

“આપણી દીકરીઓ અન્ય સમાજમાં જાય છે તેના માટે આપણે માત્ર દીકરીઓને જ કેમ સલાહ આપીએ છીએ? જ્યારે આપણા સમાજના દીકરાઓ સક્ષમ (Capable) નહીં હોય, ત્યારે દીકરીઓ અન્યત્ર આકર્ષાય તે સ્વાભાવિક છે. જો દીકરાઓ દારૂ પીતા હોય, રખડતા હોય કે કામચોરી કરતા હોય, તો દીકરીઓ બીજા સમાજના સક્ષમ છોકરાઓ જોડે જતી રહેશે.”

તેમણે વાલીઓને અપીલ કરી હતી કે દીકરીઓને શિખામણ આપવાને બદલે દીકરાઓને સક્ષમ બનાવો અને દારૂ જેવી બદીઓથી સમાજને મુક્ત કરો.

ભાગલાવાદી તત્વોથી સાવધ રહેવા હાકલ

અનાર પટેલે સમાજને તોડવાની કોશિશ કરનારા લોકો સામે પણ લાલ આંખ કરી હતી. તેમણે જણાવ્યું કે, સમાજમાં ભાગલા પાડવા એ અંગ્રેજોની જૂની નીતિ છે. અત્યારે દરેક ઘરે એક નેતા થવાની હોડ જામી છે, જે સામાજિક સંગઠન માટે જોખમી છે. તેમણે સરદાર પટેલનો ઉલ્લેખ કરતા કહ્યું કે જો આજના સોશિયલ મીડિયા અને ટીવીના જમાનામાં સરદાર પટેલ હોત, તો તેમને પણ 562 રજવાડા ભેગા કરવામાં મુશ્કેલી પડત, કારણ કે આજે ઘરે-ઘરે નેતાઓ પેદા થયા છે.

આ પણ વાંચો: PM મોદીનું સોમનાથમાં સંબોધન: લકુલિશા ઋષિ અને શહીદોને આપી શ્રદ્ધાંજલિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *