RBI Repo Rate Hike ભારતીય રિઝર્વ બેંક (RBI)એ મોંઘવારીના વધતા દબાણ વચ્ચે મોટો નિર્ણય લીધો છે. RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ રેપો રેટમાં 0.25 ટકાનો એટલે કે 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વધારા બાદ રેપો રેટ 5.25 ટકાથી વધીને 5.50 ટકા થઈ ગયો છે. આ નિર્ણયથી આગામી સમયમાં હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન સહિતની કેટલીક લોન મોંઘી થઈ શકે છે.
RBI Repo Rate Hike લગભગ ચાર વર્ષ બાદ RBIએ વ્યાજદર વધાર્યા
RBIએ લગભગ ચાર વર્ષ બાદ પ્રથમ વખત રેપો રેટમાં વધારો કર્યો છે. આ અગાઉ રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખવામાં આવ્યો હતો. 2026માં એપ્રિલ, જૂન અને ઓગસ્ટની મોનેટરી પોલિસી સમીક્ષામાં પણ વ્યાજદરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો.
RBI Repo Rate Hike મોંઘવારી અને ક્રૂડ ઓઇલના ભાવ ચિંતાનું કારણ
RBIના નિર્ણય પાછળ મોંઘવારીનું વધતું દબાણ મુખ્ય કારણોમાં સામેલ છે. પશ્ચિમ એશિયામાં તણાવને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. ઓગસ્ટમાં ભારતનો રિટેલ ફુગાવો 4.82 ટકા નોંધાયો હતો, જે RBIના 4 ટકાના લક્ષ્યાંકથી સતત ત્રીજા મહિને ઉપર રહ્યો હતો.
RBIની પોલિસીનો વલણ પણ બદલાયો
રેપો રેટ વધારવાની સાથે RBIએ પોતાની મોનેટરી પોલિસીનો વલણ ‘Neutral’માંથી ‘Calibrated Tightening’ કર્યો છે. RBIના છ સભ્યોની MPCએ આ નિર્ણય સર્વસંમતિથી લીધો હતો.
લોન લેનારાઓ પર શું થશે અસર?
રેપો રેટ વધવાથી બેંકો માટે RBI પાસેથી નાણાં મેળવવાનો ખર્ચ વધી શકે છે. તેની અસર બેંકોના લોન વ્યાજદર પર પડી શકે છે. ખાસ કરીને રેપો રેટ સાથે જોડાયેલી ફ્લોટિંગ રેટની હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના EMIમાં વધારો થવાની શક્યતા છે. જોકે, વાસ્તવિક અસર દરેક બેંકની વ્યાજદર નીતિ અને લોનના પ્રકાર પર નિર્ભર રહેશે.
અગાઉ ચાર પોલિસી સમીક્ષામાં દર યથાવત હતા
RBIએ 2026માં અત્યાર સુધીની અગાઉની ચાર પોલિસી સમીક્ષામાં રેપો રેટ 5.25 ટકા પર જાળવી રાખ્યો હતો. હવે ઓક્ટોબરની બેઠકમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરીને તેને 5.50 ટકા કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી મોંઘવારીને કાબૂમાં રાખવા માટે RBIએ નાણાકીય નીતિ વધુ કડક બનાવવાનો સંકેત આપ્યો છે.

