ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી 2047 બેઠકના પરિણામો જાહેર થયા છે. એમાંથી ભાજપે 1506 બેઠક પર જીત મેળવી છે, જ્યારે કૉંગ્રેસે 303 અને અન્યોને 238 બેઠક મળી છે.
સલાયા નગરપાલિકાના પરિણામ ભાજપ માટે ચોંકાવનારા રહ્યા હતા. 7 વોર્ડની 28 બેઠકના જાહેર થયેલા પરિણામમાં ભાજપનાં સૂપડાં સાફ થઈ ગયા હતા. ભાજપને એક પણ બેઠક મળી હતી. કૉંગ્રેસને 15 બેઠક મળી હતી, જ્યારે આમ આદમી પાર્ટીને 13 બેઠક મળી હતી. સલાયા રાજ્યના પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરાના વિસ્તારમાં આવતું હોવાથી પરિણામો જાહેર થયા બાદ ભાજપમાં સન્નાટો છવાઈ ગયો હતો.
નોંધનીય છે કે આ ઉપરાંત બે મોટા અપસેટ પણ સર્જાયા હતા. ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર-3માં કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડસમાનો પરાજય થયો હતો. જ્યારે જૂનાગઢ મનપાની ચૂંટણીમાં 6 વાર ડેપ્યુટી મેયર રહેલા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ હતી