ગુજરાતમાં 17 મેથી ‘સેલ્ફ-એન્યુમરેશન’ પોર્ટલનો થશે પ્રારંભ, ઘરે બેઠા ડિજિટલ માધ્યમથી ભરી શકાશે વિગતો; જાણો સંપૂર્ણ પ્રક્રિયા

Gujarat Digital Census

Gujarat Digital Census : ભારતની 16મી અને આઝાદી પછીની 8મી વસ્તી ગણતરી આ વખતે ઐતિહાસિક રહેવાની છે, કારણ કે તે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં વસ્તી ગણતરી 2027 માટેના રોડમેપની જાહેરાત સેન્સસ ઓપરેશન્સના ડાયરેક્ટર સુજલ જે. માયત્રા દ્વારા કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં નાગરિકો માટે ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) નો વિશેષ વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

Gujarat Digital Census : 17 મેથી સેલ્ફ-એન્યુમરેશન પોર્ટલ કાર્યરત થશે

ડિજિટલ ઈન્ડિયાના અભિગમ હેઠળ સરકારે https://se.census.gov.in પોર્ટલ લોન્ચ કર્યું છે.

  • સમયગાળો: ગુજરાતના નાગરિકો 17 મે થી 31 મે, 2026 સુધી આ પોર્ટલ પર પોતાની વિગતો જાતે ભરી શકશે.

  • પ્રક્રિયા: ઘરના મોભી પોતાના મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરી 16 ભાષાઓમાં ઉપલબ્ધ પ્રશ્નાવલી ભરી શકશે.

  • SE ID: વિગતો ભર્યા બાદ 11 અંકનો યુનિક ‘SE ID’ જનરેટ થશે, જે જ્યારે ગણતરીદાર (Enumerator) ઘરે આવે ત્યારે તેમને આપવાનો રહેશે. આનાથી સમયની બચત થશે અને ભૂલોની શક્યતા ઘટશે.

બે તબક્કામાં હાથ ધરાશે વસ્તી ગણતરી

સમગ્ર જનગણના પ્રક્રિયાને મુખ્યત્વે બે તબક્કામાં વહેંચવામાં આવી છે:

  1. પ્રથમ તબક્કો (HLO): 1 જૂન, 2026 થી 30 જૂન, 2026 દરમિયાન મકાનોની ગણતરી અને ઘરયાદી તૈયાર કરાશે. જેમાં મકાનની સ્થિતિ અને સુવિધાઓની વિગત લેવાશે.

  2. બીજો તબક્કો (PE): 9 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન મુખ્ય વસ્તી ગણતરી થશે. જેમાં દેશવ્યાપી જાતિ આધારિત ગણતરી (Caste Enumeration) પણ સામેલ હશે.

વિશાળ વહીવટી માળખું અને ટેકનોલોજી

ગુજરાતમાં આ કામગીરી માટે 1.09 લાખથી વધુ ગણતરીદારો અને 18,254 સુપરવાઈઝરોની નિમણૂક કરાઈ છે. આ વખતે કાગળના બદલે એન્ડ્રોઈડ અને iOS મોબાઈલ એપ્લિકેશન દ્વારા ડેટા એન્ટ્રી કરવામાં આવશે. તમામ ડેટા એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ અને સુરક્ષિત રહેશે.

કઈ વિગતો આપવાની રહેશે?

નાગરિકોએ આવાસની વિગતો (મકાનનું મટીરીયલ, શૌચાલય, પાણીની સુવિધા), અસ્કયામતો (ટીવી, વાહન, ઈન્ટરનેટ) અને વસ્તી વિષયક વિગતો (શિક્ષણ, વ્યવસાય, માતૃભાષા અને જાતિ) આપવાની રહેશે. સરકાર દ્વારા કોઈ પણ મૂંઝવણ માટે ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર 1855 પણ જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હજુ ત્રણ દિવસ હીટવેવનો પ્રકોપ રહેશે,આ 3 જિલ્લાઓ અગનભઠ્ઠીમાં શેકાશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *