ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ: છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયા 6 મોટા લઠ્ઠાકાંડ

Gujarat Bootlegging Tragedies ગુજરાતમાં કડક દારૂબંધી હોવાના દાવાઓ વચ્ચે સમયાંતરે ઝડપાતો લાખો-કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ખડા કરે છે. રાજ્યમાં જ્યારે પણ કોઈ મોટી લઠ્ઠાકાંડની દુર્ઘટના સર્જાય છે, ત્યારે દારૂબંધી હટાવવા કે નિયમોમાં છૂટછાટ આપવાની ચર્ચાઓ જોર પકડે છે. તાજેતરમાં ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડે ફરી એકવાર આખી સિસ્ટમને હચમચાવી દીધી છે. ગુજરાતમાં છેલ્લા ૧૫-૧૭ વર્ષમાં બનેલી આવી ૬ મોટી ઘટનાઓ પર નજર કરીએ તો સ્થિતિ કેટલી ગંભીર છે તેનો અંદાજ આવી જાય છે.

Gujarat Bootlegging Tragedies 1.જૂન 2009: અમદાવાદ લઠ્ઠાકાંડ (૧૪૦થી વધુ લોકોના મોત)

ગુજરાતના ઈતિહાસની સૌથી ભયાનક દુર્ઘટનાઓમાંની એક જૂન ૨૦૦૯માં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બની હતી.

  • ઘટના: બાપુનગર, ઓઢવ અને કાગડાપીઠ વિસ્તારમાં ઝેરી દેશી દારૂ પીવાથી ૧૪૦થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને ૨૦૦થી વધુ લોકોએ આંખોની રોશની હંમેશા માટે ગુમાવી દીધી હતી.

  • તપાસ અને એફએસએલ: ગાંધીનગર એફએસએલ (FSL) ની તપાસમાં આ દારૂમાં ઘાતક મિથેનૉલની હાજરી હોવાનું સાબિત થયું હતું. આ કેસમાં મહેતા પંચની રચના કરવામાં આવી હતી અને લાંબી કાનૂની લડાઈ બાદ કોર્ટે દોષિતોને જેલ અને દંડની સજા ફટકારી હતી.

2. સપ્ટેમ્બર 2016: સુરત લઠ્ઠાકાંડ 

સુરતના પલસાણા (વરેલી), કડોદરા જીઆઈડીસી, લિંબાયત અને કાપોદ્રા વિસ્તારમાં સપ્ટેમ્બર ૨૦૧૬ દરમિયાન ઝેરી દારૂના સેવનથી ૨૧ જેટલા શ્રમિકોનાં કરૂણ મોત નીપજ્યાં હતાં.

  • ઘટનાક્રમ: ૩૦ ઓગસ્ટથી શરૂ થયેલી આ કરૂણતા ૧૯ સપ્ટેમ્બર સુધી ચાલી હતી, જેમાં અનેક પરિવારો ઉજડી ગયા હતા. સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં આ મામલે ગુના નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

3. જુલાઈ 2022: બોટાદ કેમિકલકાંડ (૪૦થી વધુ મોત)

જુલાઈ ૨૦૨૨માં બોટાદના બરવાળા અને રાણપુરના રોજિદ ગામે સર્જાયેલો કેમિકલકાંડ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

  • મુખ્ય કારણ: ફેક્ટરીમાંથી ચોરી કરાયેલું કેમિકલ દેશી દારૂમાં ભેળવવામાં આવ્યું હતું, જેના કારણે ૪૦થી વધુ લોકોનાં મોત થયાં હતાં. અમદાવાદના પીપળજથી કેમિકલ સપ્લાય કરાયું હોવાનું બહાર આવ્યા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી હતી અને કેટલાક પોલીસકર્મીઓ સામે પણ ખાતાકીય પગલાં લેવાયા હતા.

4. જાન્યુઆરી 2024: દહેગામ લિહોડા કાંડ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લિહોડા ગામમાં જાન્યુઆરી ૨૦૨૪માં ઝેરી દારૂ પીવાથી બે લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ૭ થી ૯ લોકોને તેની ગંભીર અસર થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રાજકીય અને પ્રશાસનિક સ્તરે ભારે હલચલ મચી ગઈ હતી.

5. ફેબ્રુઆરી 2025: નડિયાદ લઠ્ઠાકાંડ

ફેબ્રુઆરી ૨૦૨૫માં નડિયાદના જવાહર નગર વિસ્તારમાં દેશી દારૂના સેવનથી ૩ લોકોનાં રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ડર અને રોષનો માહોલ ફેલાઈ ગયો હતો અને દારૂબંધીના અમલીકરણ સામે સવાલો ઉઠ્યા હતા.

6. ઓગસ્ટ 2026: ભાવનગર લઠ્ઠાકાંડ (9 લોકોના મોત)

હાલમાં જ ઓગસ્ટ ૨૦૨૬માં ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડે હાહાકાર મચાવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં ૯ લોકોનાં મોત થયાં છે અને મૃત્યુઆંક વધી શકે છે.

  • ઝેરી પ્રવાહીનું મિશ્રણ: બુટલેગરો દ્વારા બ્રાન્ડેડ ‘રોયલ સ્ટેગ’ દારૂની ખાલી બોટલો, ઢાંકણા અને સ્ટીકરોનો ઉપયોગ કરીને તેમાં મિથેનોલ મિશ્રિત ઝેરી પ્રવાહી ભરવામાં આવ્યું હતું.

  • એફએસએલ રિપોર્ટ: મેડિકલ અને એફએસએલ તપાસમાં દર્દીઓના સેમ્પલમાંથી આશ્ચર્યજનક રીતે ૩૮.૫૯ ટકા જેટલું ઘાતક મિથેનૉલ મળી આવ્યું છે, જે દર્શાવે છે કે બુટલેગરો વધુ નશા માટે લોકોના જીવન સાથે કેવી ખતરનાક રમત રમી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *