ગુજરાત માટે યુનિફોર્મ સિટીઝનશિપ કોડ (યુસીસી)નો મુસદ્દો તૈયાર કરવાના હેતુસર રચાયેલી સમિતિની પ્રથમ બેઠક મંગળવારે ગાંધીનગરમાં મળી હતી. ડ્રાફ્ટ તૈયાર કરતા પહેલા લોકો પાસેથી સૂચનો અને વાંધા મંગાવવામાં આવશે તેમ જણાવાયું હતું.આ મામલે મુસ્લિમ નેતા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ લેખિતમાં વિરોધ કર્યો હતો. પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે ઉતાવળે બોલાવેલ મીટીંગમાં યુસીસી બાબતોથી અજાણ અને ફકત સરકાર તેમજ તેની વિચારધારા સાથે સંમત લોકોને જ ફોન ધ્વારા આમંત્રણ આપી એકતરફી રજૂઆત કરવાની તક આપી ચર્ચા વિચારણાનો દેખાડા માત્રનો પ્રયત્ન કરી આશ્ચર્યજનક રીતે યુસીસીના કાનૂની પાસાઓના જાણકાર લોકો તેમજ સ્વૈચ્છિક, ધાર્મિક સંસ્થાઓને પોતાના મંતવ્યો રજૂ કરવાથી વંચિત રાખવામાં આવ્યા હતા.
યુસીસી બાબતે મીટીંગના આયોજનની જાણકારી મળતા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના લેખિત પત્ર સાથે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ યુસીસી કમિટીના ચેરમેન, સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના બેન દેસાઈ સમક્ષ ગાંધીનગર ખાતે થયેલ એકતરફી મીટીંગ બાબતે રૂબરૂમાં પોતાનો વિરોધ દર્શાવી નીચે મુજબની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે,યુસીસી બંધારણીય તથા ધાર્મિક મુદ્દો હોઈ તેની વિચારણા માટે ગઠિત સમિતિ દરેક સમાજના હિત ધરાવતા અને તેનાથી અસર પામતા લોકોને ન્યાયિક રજુઆત કરવાની અને મંતવ્યો મૂકવાની યોગ્ય તક આપવા માંગણી કરી હતી. સમિતિમાં મુસ્લિમ સમુદાયના વિવિધ પ્રતિષ્ઠિત સંગઠનો, મુસ્લિમ સ્કોલર, ધાર્મિક, સામાજિક, રાજકીય આગેવાનો, પ્રતિષ્ઠિત મહિલાઓ તેમજ તમામ મસલક અને બિરાદરીઓના આગેવાનોને એક અઠવાડિયાના સમયની નોટિસ આપી રજૂઆત કરવાની પૂરતી તક આપવા ભારપૂર્વક માંગણી કરી હતી.
ન્યાયિક માંગણી અને યોગ્ય અસરકારક રજુઆતના પગલે યુસીસી કમિટિના અધ્યક્ષ રંજના દેસાઈએ પ્રત્યુત્તરમાં આગામી અઠવાડિયે મુસ્લિમ પ્રતિનિધિ મંડળને રજૂઆત માટે બોલાવવાની મૌખિક ખાતરી આપી હતી.યુસીસી કમીટી દ્વારા આગામી અઠવાડિયે સંભવિત આમંત્રણ આપવાની ખાતરી બાબતે કમિટી સમક્ષ રજૂઆત કરવા માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા તા. ૯ માર્ચ ૨૦૨૫, રવિવારના રોજ સાંજે ૪ કલાકે -ગુજરાત ટુડે હોલ, શાહેઆલમ, અમદાવાદ ખાતે વિવિધ એડવોકેટ, ધાર્મિક સંગઠનો, ઉલેમાઓ તથા દરેક મસલક અને ફિરકાના જવાબદારો સાથે ચર્ચા વિચારણા કરી સર્વસંમતિથી યુસીસી કમિટી સમક્ષ પોતાના મંતવ્યો – અભિપ્રાય તથા વાંધા સૂચનો રજૂ કરવા બાબતે રણનિતી ઘડવા મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે યુસીસી કમિટીએ જાહેર નોટિસ દ્વારા નીચે જણાવેલ ત્રણ પ્રકારે મંતવ્યો માંગેલ
-
વેપોર્ટ્સ – http://uccgujarat.in
-
ઈમેલ – ucc@gujarat.gov.in
૩) પત્ર લખી પોસ્ટ દ્વારા : સમાન સિવિલ કોડ સમિતિ ઓફીસ, કર્મયોગી ભવન, બ્લોક નં. ૧, વિભાગ-એ, દદ્દો માળ, સેક્ટર- ૧૦ એ, ગાંધીનગર, ગુજરાત-૩૮૨૦૧૦.
યુસીસી કમિટીએ જાહેર નોટિસ દ્વારા મંગાવેલ મંતવ્યો બાબતે મુસ્લિમ હિત રક્ષક સમિતિ એ ૯ માર્ચના રોજ યોજેલ મીટીંગમાં સંવૈધાનિક અધિકારોની રક્ષા માટે ચર્ચા વિચારણા કરી સર્વસંમતિથી ગુજરાતની મુસ્લિમ સંસ્થાઓ તથા જાગૃત નાગરિકોને રજૂઆત કરવા અંગે જાહેર માર્ગદર્શન તથા ડ્રાફટની જાણકારી જાહેર માધ્યમો દ્વારા આપવામાં આવશે.