Gujarat RTE Admissions 2026-27: ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન [Right to Education – RTE] હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં મફત પ્રવેશ મેળવવા માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ [Department of Primary Education] દ્વારા જાહેર કરાયેલી વધારાની મુદત બાદ કુલ 2,49,946 ફોર્મ ભરાયા છે. નોંધનીય છે કે, ચૂંટણી કામગીરીને કારણે વાલીઓને દસ્તાવેજો મેળવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખી સરકારે ફોર્મ ભરવાની સમયમર્યાદામાં 6 દિવસનો વધારો કર્યો હતો.
શૈક્ષણિક વર્ષ 2026-27 માટે RTE પ્રવેશ પ્રક્રિયા [Gujarat RTE Admissions 2026-27]
આ શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા ગત 4 એપ્રિલથી શરૂ કરવામાં આવી હતી. અગાઉ 17 એપ્રિલ છેલ્લી તારીખ હતી, જે લંબાવીને 23 એપ્રિલ કરવામાં આવી હતી. આ વર્ષે રાજ્યની 9,709 ખાનગી શાળાઓમાં [Private Schools] 25 ટકા ક્વોટા મુજબ કુલ 84,228 બેઠકો ઉપલબ્ધ છે. બેઠકોના ગણિત મુજબ, ગુજરાતી માધ્યમમાં [Gujarati Medium] 41,411, અંગ્રેજી માધ્યમમાં 40,262 અને અન્ય ભાષાઓમાં મર્યાદિત બેઠકો ફાળવવામાં આવી છે.
અમદાવાદમાં 14,200 બેઠકો સામે 37,700 અરજીઓ [RTE Statistics in Ahmedabad]
અમદાવાદ [Ahmedabad] શહેર અને જિલ્લામાં પ્રવેશ માટે વાલીઓમાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો છે. અહીં ઉપલબ્ધ 14,200 બેઠકો સામે 37,700 થી વધુ ફોર્મ સબમિટ થયા છે. સમગ્ર રાજ્યની સરખામણીએ ગત વર્ષ કરતા બેઠકોની સંખ્યા ઘટી છે, તેમ છતાં અરજીઓનો આંકડો 11,000 જેટલો વધ્યો છે, જે ખાનગી શાળાઓમાં ભણાવવાની વાલીઓની વધતી ઘેલછા દર્શાવે છે. હવે આગામી દિવસોમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ પ્રથમ રાઉન્ડના પ્રવેશની જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત એસટીમાં ખાનગીકરણ? 1200 નવી બસો ભાડે લેવાશે

