Brazil Election Lula da Silva Win: લેટિન અમેરિકાના સૌથી મોટા દેશ બ્રાઝિલમાં યોજાયેલી અત્યંત રસાકસીભરી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. વરિષ્ઠ ડાબેરી નેતા લૂઈઝ ઈનાસિયો લૂલા ડા સિલ્વાએ શાનદાર વિજય મેળવ્યો છે. ચૂંટણી અદાલત દ્વારા 100 ટકા મતોની ગણતરી પૂર્ણ થયા બાદ જાહેર થયેલા સત્તાવાર આંકડા મુજબ, બીજા તબક્કાના સીધા મુકાબલામાં તેમણે દક્ષિણપંથી સેનેટર ફ્લાવિયો બોલસોનારોને આશરે 44 લાખ મતોના વિશાળ તફાવતથી પરાજય આપ્યો છે. આ ઐતિહાસિક વિજય સાથે 80 વર્ષીય લૂલા ડા સિલ્વા દેશમાં ચોથી વખત રાષ્ટ્રપતિ બનીને નવો રાજકીય ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. તેમનો આ નવો કાર્યકાળ આગામી 5 જાન્યુઆરી 2027થી વિધિવત રીતે શરૂ થશે.
વિશ્વભરમાં જ્યારે દક્ષિણપંથી વિચારધારાનો પ્રભાવ વધી રહ્યો છે, ત્યારે લૂલાની આ જીત વૈશ્વિક પ્રવાહથી વિપરીત છે. આ પરિણામો બાદ લેટિન અમેરિકાના બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો—મેક્સિકો અને બ્રાઝિલ બંનેમાં સેન્ટર-લેફ્ટ (ડાબેરી-મધ્યમમાર્ગી) સરકારો સ્થપાઈ છે, જે સમગ્ર દક્ષિણ અમેરિકન ખંડના રાજદ્વારી સંબંધોને નવી દિશા આપશે.
Brazil Election Lula da Silva Win: બ્રિક્સ સાથે સંબંધો મજબૂત કરવા પર ભાર
વાર્ષિક 2.6 ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે બ્રાઝિલ લેટિન અમેરિકાની સૌથી મોટી આર્થિક મહાસત્તા છે. વિશાળ અર્થતંત્ર હોવાને કારણે દેશ પાસે કોઈપણ દબાણ સામે ઝૂક્યા વિના પોતાની આર્થિક સ્વતંત્રતા જાળવવાની ક્ષમતા છે. લૂલા પ્રશાસને સંકેત આપ્યા છે કે તેઓ વોશિંગ્ટન પર નિર્ભરતા ઘટાડીને બ્રિક્સ (BRICS) દેશો અને ગ્લોબલ સાઉથ સાથે વેપારી સંબંધો વધુ ગાઢ બનાવશે. વિજય બાદ દેશજોગ સંબોધનમાં લૂલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “બ્રાઝિલ એક સ્વતંત્ર રાષ્ટ્ર છે અને તે કોઈ મહાસત્તાના પ્રભાવ ક્ષેત્ર હેઠળ કામ નહીં કરે.” તેમણે ડિજિટલ પ્લેટફોર્મ્સ અને વિદેશી દખલગીરીને ડામવા પર પણ ભાર મૂક્યો હતો.

