Ali Khamenei Burial Date : પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભયંકર યુદ્ધ અને લાંબા સમયની અનિશ્ચિતતા વચ્ચે ઈરાન સરકારે એક મોટો સત્તાવાર આદેશ જારી કર્યો છે. અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં માર્યા ગયેલા ઈરાનના સૌથી શક્તિશાળી અને લાંબા સમય સુધી શાસન કરનારા સર્વોચ્ચ ધાર્મિક નેતા આયતોલ્લા અલી ખામેનેઈ (Ayatollah Ali Khamenei) ની અંતિમ વિધિ અને દફનવિધિનું સંપૂર્ણ ટાઈમટેબલ જાહેર કરી દેવાયું છે. સ્ટેટ ટેલિવિઝનના અહેવાલ મુજબ, આગામી ૯મી જુલાઈએ તેમના વતન મશહદ (Mashhad) ના પવિત્ર ઇમામ રેઝા દરગાહ ખાતે તેમને ‘સુપર્દ-એ-ખાક’ કરવામાં આવશે.

Ali Khamenei Burial Date : 6 દિવસ સુધી ચાલશે ઈરાનનો સૌથી મોટો જનાઝા કાર્યક્રમ
આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો અનુસાર, આ અંતિમ સંસ્કાર કોઈ સામાન્ય વિધિ નહીં પરંતુ ઈરાનના ઈતિહાસનો સૌથી મોટો શોક કાર્યક્રમ હશે જે સતત ૬ દિવસ સુધી અલગ-અલગ શહેરોમાં ચાલશે. આ ભવ્ય જનાઝા યાત્રાની શરૂઆત ૪ જુલાઈ ૨૦૨૬ ના રોજ પાટનગર તેહરાન (Tehran) ખાતેથી થશે, જ્યાં ત્રણ દિવસ સુધી તેમનો પાર્થિવ દેહ ગ્રાન્ડ મુસલ્લામાં આમ જનતાના દર્શનાર્થે રાખવામાં આવશે. ત્યારબાદ ૭ જુલાઈએ પવિત્ર શહેર કોમ (Qom) અને આખરે ૯ જુલાઈએ મશહદ ખાતે અંતિમ વિધિઓ પૂર્ણ કરીને તેમને માટીને હવાલે કરાશે. ખામેનેઈની અંતિમ ઈચ્છા મુજબ દરેક શહેરમાં આ પ્રક્રિયા ૨૪ કલાકથી વધુ સમય ચાલશે, જેમાં આશરે ૨ કરોડથી વધુ લોકો ઉમટી પડે તેવી સંભાવના છે.
લશ્કર હાઈ એલર્ટ પર
ફેબ્રુઆરી મહિનામાં થયેલા હુમલા બાદ છેક જુલાઈ મહિનામાં અંતિમ સંસ્કાર યોજવા પાછળનું મુખ્ય કારણ સુરક્ષા અને સત્તા હસ્તાંતરણ હતું. યુદ્ધની સ્થિતિ અને ઈઝરાયેલી ડ્રોન હુમલાના જોખમને કારણે આ જાહેરાત ૧૦૦ કરતાં વધુ દિવસો સુધી રોકી રાખવામાં આવી હતી. હવે જ્યારે તેમના પુત્ર મોહતબા ખામેનેઈ વચગાળાના સર્વોચ્ચ નેતા તરીકે સત્તા સંભાળી ચૂક્યા છે, ત્યારે ઇસ્લામિક ક્રાંતિકારી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા હવાઈ સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે આ અંતિમ વિદાયનું આયોજન કરાયું છે.
આ પણ વાંચો: ઓમાન તટે વધુ એક ભારતીય જહાજ ‘MT જલવીર’ પર હુમલો, 3 ભારતીયના મોત

